સત્ય. સાહસ. સંકલ્પ.

કમોસમી વરસાદે ખેડૂતોની દિવાળી બગાડી, ગીર અને રાજકોટમાં પાકનું ભારે નુકસાન

કમોસમી વરસાદે ખેડૂતોની દિવાળી બગાડી, ગીર અને રાજકોટમાં પાકનું ભારે નુકસાન

દિવાળીના તહેવારો વચ્ચે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. આ અણધાર્યા વરસાદે ખેડૂતોના તૈયાર પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે, જેના કારણે તેમને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ખાસ કરીને સૌરાષ્ટ્રના ગીરસોમનાથ જિલ્લાના તાલાલા પંથક અને રાજકોટ જિલ્લાના જામકંડોરણા પંથકમાં કમોસમી વરસાદે ભારે નુકસાન સર્જ્યું છે. આ વિસ્તારોમાં મગફળી, કપાસ અને સોયાબીનના પાકને વ્યાપક નુકસાન થયું છે, જ્યારે જામકંડોરણા પંથકમાં મરચીના પાકને સૌથી વધુ અસર થઈ છે.

ગીરસોમનાથના તાલાલા શહેર ઉપરાંત આસપાસના ગુંદરણ, માધુપુર અને આમળાશ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં સળંગ ત્રણ દિવસથી વીજળીના કડાકા અને મેઘગર્જના સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. આ વરસાદથી ખેતરોમાં પડેલા મગફળીના પાક પલળી ગયા છે. અગાઉના વરસાદ બાદ ખેતરોમાં પાણી ભરાયું હતું, ત્યાં ફરી વરસાદ પડતાં નુકસાન વધ્યું છે.

બીજી તરફ રાજકોટ જિલ્લાના જામકંડોરણા પંથકમાં છેલ્લા બે દિવસથી ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. નાના ભાદરા, ઉજળા, ખજુરાહ અને બાલાપર જેવા ગામોમાં ભારે પવન અને વરસાદને કારણે મગફળી અને કપાસની સાથે મરચીના પાકને સૌથી વધુ નુકસાન થયું છે.

બાલાપર ગામમાં ખેડૂતોએ અંદાજે 3,000 વીઘા જમીનમાં મરચીનું વાવેતર કર્યું હતું. વરસાદની અછત હોવા છતાં ખેડૂતોએ વીઘા દીઠ અંદાજે 25,000 રૂપિયાનો ખર્ચ કરીને પાક ઉછેર્યો હતો. પરંતુ ભારે પવનને કારણે મરચીનો મોટો ભાગ ખરી પડ્યો છે અને ખેતરોમાં ભરાયેલા પાણીથી મરચી કાળી પડી ગઈ છે.

ખેડૂતોને ચિંતા છે કે ખરી પડેલી અને કાળી પડેલી મરચીને બજારમાં યોગ્ય ભાવ મળશે નહીં. તેમણે રાજ્ય સરકાર પાસે કોઈપણ વિલંબ વિના પાક નુકસાનીનો સર્વે શરૂ કરવાની અને યોગ્ય આર્થિક સહાય આપવાની માંગ કરી છે. ખેડૂતો સમયસર વળતરની અપેક્ષા રાખી રહ્યા છે.