સત્ય. સાહસ. સંકલ્પ.

UN સુરક્ષા પરિષદમાં સુધારા માટે મોદીની માંગને સંયુક્ત રાષ્ટ્રનું સમર્થન

UN સુરક્ષા પરિષદમાં સુધારા માટે મોદીની માંગને સંયુક્ત રાષ્ટ્રનું સમર્થન

દિલ્હીમાં યોજાયેલી BRICS સમિટ 2026 દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં સુધારાની જે માંગ કરી હતી, તેને સંયુક્ત રાષ્ટ્રે મહત્વપૂર્ણ સમર્થન આપ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવના પ્રવક્તા સ્ટેફન દુજારિકે કહ્યું કે હાલની વ્યવસ્થા 21મી સદીની વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરતી નથી. તેમણે ભારતને શાંતિ માટે 'સેતુ-નિર્માતા' તરીકે ઓળખાવ્યું હતું.

દુજારિકે સ્પષ્ટ કર્યું કે સુરક્ષા પરિષદ પર માત્ર પાંચ કાયમી સભ્ય દેશોનું વર્ચસ્વ છે. આ રચના 1945ની પરિસ્થિતિને આધારે બની હતી, જ્યારે આજે 2026માં વિશ્વની સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ સંસ્થાને વધુ સમાવેશી અને અસરકારક બનાવવાનો આ જ યોગ્ય સમય છે. મહાસચિવે પોતાના કાર્યકાળની શરૂઆતથી જ આ મુદ્દો ઉઠાવ્યો હોવાનું તેમણે યાદ અપાવ્યું.

BRICS સમિટમાં વડાપ્રધાન મોદીએ વૈશ્વિક શાસનને 'પિરામિડ' સાથે સરખાવ્યું હતું, જેમાં નિર્ણય લેવાની સત્તા ટોચ પર કેન્દ્રિત છે. જ્યારે વિકાસશીલ દેશો (ગ્લોબલ સાઉથ) પોતાને 'પાછલી હરોળ'માં અનુભવે છે. આ મુદ્દો ભારતે વારંવાર વૈશ્વિક મંચો પર ઉઠાવ્યો છે.

સંયુક્ત રાષ્ટ્રના આ સમર્થનને ભારતની રાજદ્વારી સફળતા તરીકે જોવામાં આવી રહ્યું છે. જોકે સુધારાની પ્રક્રિયા લાંબી છે, કારણ કે તેના માટે સભ્ય દેશોની વ્યાપક સંમતિ જરૂરી છે.