મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે આવેલા ઉમિયા માતાજી સંસ્થાનને નવી નેતૃત્વ ટીમ મળી છે. સંસ્થાનની કારોબારી બેઠકમાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી. પૂર્વ IAS અધિકારી મહેન્દ્ર એસ. પટેલને સંસ્થાનના નવા પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
નવી ટીમમાં બાબુભાઈ પટેલ (ખોરજવાળા) અને મૌલેશ ઉકાણીને ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. મૌલેશ ઉકાણીને ફરી એકવાર આ જવાબદારી સોંપાઈ છે. મુકેશ એ. પટેલ (બડુ)ને માનદ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
પ્રમુખ તરીકેની વરણી બાદ એમ. એસ. પટેલે પાટીદાર સમાજ અંગે પોતાના વિચારો રજૂ કર્યા. તેમણે જણાવ્યું કે પાટીદાર સમાજ હંમેશા મહેનતુ રહ્યો છે અને તેણે અનેક પડકારોનો સામનો કર્યો છે. તેમણે બંધારણમાં વિશ્વાસ અને મહેનત પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે પાટીદાર સમાજ બંધારણને માનનારો સમાજ છે અને સંસદ જે નક્કી કરે તેનું પાલન કરવામાં આવશે.
શંકરસિંહ વાઘેલાના અનામત અંગેના નિવેદન પર પૂછાયેલા સવાલના જવાબમાં મહેન્દ્ર પટેલે સ્પષ્ટ કર્યું કે સંસ્થાન કોઈ રાજકીય સંસ્થા નથી. તેમણે રાજકીય ટિપ્પણી પર જવાબ આપવાનો ઈનકાર કર્યો.
આ નિમણૂક બાદ સંસ્થાનની આગામી સમાજલક્ષી પ્રવૃત્તિઓ અને કાર્યોને લઈને અપેક્ષાઓ વધી છે.