સત્ય. સાહસ. સંકલ્પ.

ઊંઝાના મક્તુપુરમાં ફેક્ટરી પર દરોડો: 4911 કિલો વરિયાળી અને લીલો રંગ જપ્ત

ઊંઝાના મક્તુપુરમાં ફેક્ટરી પર દરોડો: 4911 કિલો વરિયાળી અને લીલો રંગ જપ્ત

ઊંઝા પંથક જીરું અને વરિયાળીના વેપાર માટે દેશ-વિદેશમાં જાણીતું છે. આ વિશ્વસનીયતા જળવાઈ રહે અને ગ્રાહકોને શુદ્ધ ચીજવસ્તુ મળે તે માટે મહેસાણા જિલ્લાનો ફૂડ વિભાગ સતત કામ કરી રહ્યો છે.

તાજેતરમાં મળેલી ચોક્કસ બાતમીના આધારે મહેસાણા ફૂડ વિભાગ અને CID પોલીસની ટીમે સંયુક્ત રીતે કાર્યવાહી કરી હતી. ટીમે મહેસાણા-પાલનપુર હાઇવે પર આવેલા ઊંઝા તાલુકાના મક્તુપુર ગામમાં 'ગણેશ ક્લીનીંગ' નામની ફેક્ટરી પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ ગુણવત્તાવાળી વરિયાળીનો જથ્થો મળી આવ્યો હતો. સાથે જ વરિયાળીને આકર્ષક બનાવવા વપરાતો કેમિકલયુક્ત લીલો રંગ પણ વિપુલ માત્રામાં મળી આવ્યો હતો.

ફૂડ વિભાગે સ્થળ પરથી 4911 કિલોગ્રામ છૂટક શંકાસ્પદ વરિયાળી જપ્ત કરી છે. ઉપરાંત વરિયાળીને રંગવા વપરાતો 17 કિલોગ્રામ છૂટક લીલો રંગ પણ પકડાયો છે. બંને વિભાગોએ કુલ રૂપિયા 2,46,164ની કિંમતનો મુદ્દામાલ સીઝ કર્યો છે.

બજારમાં મળતી ચમકતી લીલી વરિયાળી પાછળ ઘણીવાર આવા રાસાયણિક રંગો જવાબદાર હોય છે. આ રંગો માનવ શરીર, ખાસ કરીને પાચનતંત્ર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. લોકો મુખવાસ તરીકે વરિયાળીનો રોજ ઉપયોગ કરતા હોવાથી તેમાં થતી આવી ભેળસેળ ગંભીર બીમારી પણ નોતરી શકે છે. આથી ફૂડ વિભાગની આ કાર્યવાહી જાહેર આરોગ્યની સુરક્ષા માટે મહત્ત્વપૂર્ણ છે.

ફેક્ટરીમાંથી જપ્ત કરાયેલી શંકાસ્પદ વરિયાળી અને લીલા રંગના નમૂના લેબ પરીક્ષણ માટે મોકલ્યા છે. હાલ તંત્ર લેબોરેટરી રિપોર્ટની રાહ જોઈ રહ્યું છે. રિપોર્ટમાં હાનિકારક રંગની ભેળસેળ સાબિત થશે તો ફેક્ટરીના સંચાલકો સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.