સત્ય. સાહસ. સંકલ્પ.

ઊંઝા APMCમાં જીરાના ભાવમાં મોટો ઉછાળો: પ્રતિ 20 કિલોએ 1000થી 1200 રૂપિયા વધ્યા

ઊંઝા APMCમાં જીરાના ભાવમાં મોટો ઉછાળો: પ્રતિ 20 કિલોએ 1000થી 1200 રૂપિયા વધ્યા

ઊંઝા એપીએમસીમાં જીરાના ભાવમાં પ્રતિ 20 કિલોએ 1000થી 1200 રૂપિયાનો મોટો ઉછાળો નોંધાયો છે. ગયા વર્ષે ભાવ ઘટીને 3500 રૂપિયા સુધી પહોંચી જતાં ચિંતામાં મુકાયેલા ખેડૂતોને આ વર્ષે પોતાની પડતર કિંમત કરતાં પણ સારા ભાવ મળી રહ્યા છે.

ગયા વર્ષે અનુકૂળ હવામાન અને સારા વરસાદને કારણે જીરાનું ભરપૂર ઉત્પાદન થયું હતું, જેથી ભાવ 5000 રૂપિયાથી ઘટીને 3500 રૂપિયા સુધી નીચે આવ્યા હતા. ત્યારબાદ ભૌગોલિક-રાજકીય સ્થિતિ, સ્થાનિક હવામાનમાં પલટો અને પરિવહનની તકલીફોને લીધે બજારમાં માંગ નરમ રહી હતી.

હવે તહેવારોની મોસમ શરૂ થઈ રહી છે અને હવામાન નિષ્ણાતો અલ નીનોની અસરની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે. આગામી દિવસોમાં પાણીની અછતની ભીતિ પણ સેવાઈ રહી છે. વધુ તાપમાનને કારણે જીરાના ઉગાવામાં (જર્મિનેશન) પણ મુશ્કેલી પડી શકે છે. આ તમામ પરિબળોને ધ્યાનમાં રાખીને આગામી સીઝનમાં જીરાનું ઉત્પાદન ઘટવાની શક્યતા છે.

ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશ પટેલે જણાવ્યું કે છેલ્લા ત્રણ વર્ષથી સતત નુકસાન વેઠી રહેલા જીરાના ખેડૂતોનું આ વર્ષે નુકસાન સરભર થશે અને તેમને મોટી આર્થિક રાહત મળશે.