સત્ય. સાહસ. સંકલ્પ.

અંડર-19 એશિયા કપ: 5 નવેમ્બરથી ઓમાનમાં, ભારત-પાકિસ્તાન 8 નવેમ્બરે ટકરાશે

અંડર-19 એશિયા કપ: 5 નવેમ્બરથી ઓમાનમાં, ભારત-પાકિસ્તાન 8 નવેમ્બરે ટકરાશે

એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) એ અંડર-19 એશિયા કપ 2026નું શેડ્યૂલ જાહેર કર્યું છે. ટુર્નામેન્ટ 5 નવેમ્બરથી ઓમાનમાં શરૂ થશે અને 14 નવેમ્બરે ફાઇનલ રમાશે. આ વખતે 8 ટીમો ટાઇટલ માટે મેદાનમાં ઉતરશે. તમામ 15 મેચ મસ્કત સ્થિત ઓમાન ક્રિકેટ એકેડેમી (OCA)ના ગ્રાઉન્ડ-1 અને ગ્રાઉન્ડ-2 પર રમાશે.

ભારત પોતાના અભિયાનની શરૂઆત 6 નવેમ્બરે નેપાળ સામે કરશે. બે દિવસ બાદ 8 નવેમ્બરે પાકિસ્તાન સામે મુકાબલો થશે. ગ્રુપ સ્ટેજમાં ભારતની છેલ્લી મેચ 10 નવેમ્બરે UAE સામે રહેશે.

ટુર્નામેન્ટ 50 ઓવરના ફોર્મેટમાં રમાશે. ભારતને ગ્રુપ-Aમાં પાકિસ્તાન, UAE અને નેપાળ સાથે રાખવામાં આવ્યું છે. ગ્રુપ-Bમાં બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, શ્રીલંકા અને મલેશિયા છે.

ટુર્નામેન્ટની પ્રથમ મેચ 5 નવેમ્બરે શ્રીલંકા અને મલેશિયા વચ્ચે રમાશે. તે જ દિવસે ગ્રુપ-Bમાં બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન પણ ટકરાશે. બંને મેચ સવારે 10:30 વાગ્યે શરૂ થશે. શ્રીલંકા-મલેશિયાની મેચ OCA ગ્રાઉન્ડ-2 પર અને બાંગ્લાદેશ-અફઘાનિસ્તાનની મેચ OCA ગ્રાઉન્ડ-1 પર રમાશે.

પાકિસ્તાન વર્તમાન ચેમ્પિયન છે. ગત સીઝનની ફાઇનલમાં પાકિસ્તાને ભારતને 191 રનથી હરાવીને ટાઇટલ જીત્યું હતું. અંડર-19 એશિયા કપમાં પાકિસ્તાનનું આ બીજું ટાઇટલ હતું. ભારત સામેની તે ફાઇનલમાં પાકિસ્તાનના ઓપનર સમીર મિન્હાસે 113 બોલમાં 172 રનની ઇનિંગ્સ રમી હતી.

ભારતે અંડર-19 એશિયા કપ 8 વખત જીત્યો છે – 1989, 2003, 2012, 2013-14, 2016, 2018, 2019 અને 2021માં. 2012માં ભારત અને પાકિસ્તાન સંયુક્ત વિજેતા રહ્યા હતા. બાંગ્લાદેશે 2023 અને 2024માં સતત બે ખિતાબ જીત્યા છે, જ્યારે અફઘાનિસ્તાન 2017માં પ્રથમ વખત ચેમ્પિયન બન્યું હતું.