સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતના 78 લાખ બેંક ખાતામાં ₹2,836 કરોડ નધણિયાતી, જાણો તમારું ખાતું ક્યારે બિનવારસુ થાય

ગુજરાતના 78 લાખ બેંક ખાતામાં ₹2,836 કરોડ નધણિયાતી, જાણો તમારું ખાતું ક્યારે બિનવારસુ થાય

દેશની જાહેર અને ખાનગી બેંકોમાં ₹67,000 કરોડથી વધુની થાપણો એવી પડી છે જેના પર કોઈ દાવો કરવામાં આવ્યો નથી. આ રકમ પરત મેળવવા માટે સરકારે ઉદગમ પોર્ટલ શરૂ કર્યું છે, પરંતુ તેને હજુ સુધી અપેક્ષિત પ્રતિસાદ મળ્યો નથી. ગુજરાતમાં પણ 78 લાખ જેટલા બેંક ખાતામાં ₹2,836 કરોડની રકમ જમા છે, જેના પર કોઈએ દાવો કર્યો નથી.

બેંકિંગ નિયમો અનુસાર, જો બે વર્ષ સુધી ખાતામાં કોઈ વ્યવહાર ન થાય તો તે ખાતું નિષ્ક્રિય ગણાય છે. ત્યારબાદ જો 10 વર્ષ સુધી કોઈ લેવડ-દેવડ ન થાય તો તે ખાતાને બિનદાવાકૃત (બિનવારસુ) જાહેર કરવામાં આવે છે અને તેમાંની રકમ રિઝર્વ બેંકના ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

દેશની જાહેર ક્ષેત્રની બેંકોમાં ₹58,330 કરોડ અને ખાનગી ક્ષેત્રની બેંકોમાં ₹8,673 કરોડની રકમ આ રીતે બિનદાવાકૃત પડી છે. ગુજરાતમાં 78 લાખ ખાતાઓમાં ₹2,836 કરોડ જમા છે.

જૂનાગઢના અગ્રણી અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ડિરેક્ટર પ્રદિપ ખીમાણીએ જણાવ્યું કે, દાવેદાર પોતાની રકમ પરત મેળવવા માટે બેંક શાખા અથવા ઉદગમ પોર્ટલ પરથી માહિતી મેળવીને અરજી કરી શકે છે. આ પ્રક્રિયામાં કેવાયસી અપડેટ કરવું પડે છે. જો ખાતાધારકનું મૃત્યુ થયું હોય તો વારસદારે મૃત્યુ પ્રમાણપત્ર અને કેવાયસી દસ્તાવેજો રજૂ કરવાના રહે છે. આ પ્રક્રિયા એક સપ્તાહમાં પૂર્ણ થઈ શકે છે.