ઉના-વેરાવળ રોડ પર કેસરિયા અને નાથળ ગામ વચ્ચે આવેલા ખાણિયાધાર વિસ્તાર નજીક ટ્રકની જોરદાર ટક્કરે ભયાનક અકસ્માત સર્જ્યો છે. આ અકસ્માતમાં 18 વર્ષીય યુવતી પ્રતિજ્ઞાબેન વાળાનું ભાઈની નજર સમક્ષ જ ઘટનાસ્થળે કરૂણ મોત નીપજ્યું છે.
મળતી વિગતો અનુસાર, કાજરડી ગામના પ્રીતમ વાળા પોતાની બાઈક પર માતા પાંચીબેન અને બહેન પ્રતિજ્ઞાબેનને બેસાડીને ઉના તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવતા ટ્રકે બાઈકને જોરદાર ટક્કર મારતા બાઈક આગળ જતી ઓટો રિક્ષા સાથે ટકરાઈ હતી. આ અકસ્માતમાં બાઈક પર સવાર ભાઈ, બહેન અને માતા ત્રણેય રોડ પર જોરથી ફંગોળાઈ ગયા હતા.
અકસ્માતમાં પ્રતિજ્ઞાબેનને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેમનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે પુત્રીના મોતથી માતા પાંચીબેન સ્થળ પર જ બેભાન થઈ ગયા હતા. બનાવને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્ત માતા-પુત્રને ઉનાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા, જ્યારે યુવતીના મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ મોકલાયો હતો.
અકસ્માત સર્જીને ટ્રક ચાલક પોતાનું વાહન લઈને નાસી છૂટ્યો હતો, પરંતુ ઘટનાસ્થળે હાજર લોકોએ હિંમત દાખવી ટ્રકનો પીછો કરી 10 કિલોમીટર દૂરથી તેને ઝડપી પાડી પોલીસને સોંપ્યો હતો. ઘટનાની જાણ થતાં કાજરડી ગામના લોકો હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યારે ઉના પોલીસે બનાવ સ્થળે પહોંચી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કાજરડી ગામથી પ્રીતમ વાળા તેમની માતા સાથે ઉના ખાતે સગાને ત્યાં પુત્ર જન્મની ખુશીમાં અભિનંદન આપવા જઈ રહ્યા હતા. તે સમયે તેમની 18 વર્ષીય બહેન પ્રતિજ્ઞા પણ નવા કપડાં ખરીદવાના હેતુથી તેમની સાથે બાઈક પર સવાર હતી. જોકે, કેસરિયા અને નાથળ વચ્ચે પૂરપાટ ઝડપે આવતા ટ્રકે બાઈકને જોરદાર ટક્કર મારતા સર્જાયેલા દર્દનાક અકસ્માતમાં યુવતીનું ભાઈની નજર સમક્ષ જ કરૂણ મોત નીપજ્યું હતું. આમ, સગાના ઘરે છવાયેલી ખુશીના પ્રસંગ વચ્ચે પરિવાર પર અચાનક કાળનો પંજો ફરી વળતા કાજરડી ગામમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.