સત્ય. સાહસ. સંકલ્પ.

ઉના નજીક વાંસોજમાં ભોજન બાદ બે વર્ષની બાળકીનું મોત, માતા-પિતા ICUમાં

ઉના નજીક વાંસોજમાં ભોજન બાદ બે વર્ષની બાળકીનું મોત, માતા-પિતા ICUમાં

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંસોજ ગામમાં ગુવાર-બટેટાનું શાક અને રોટલો ખાધા બાદ એક જ પરિવારના ત્રણ સભ્યોની તબિયત લથડી હતી. આ ઘટનામાં બે વર્ષની બાળકી જીનલનું મોત નીપજ્યું છે. તેનાં માતા અને પિતાની હાલત ગંભીર હોવાથી બંનેને ઉનાની ખાનગી હોસ્પિટલના ICUમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે.

મળતી માહિતી મુજબ, વાંસોજ ગામના રાજેશભાઈ ભગાભાઈ કામળિયા, તેમનાં પત્ની સોનલબેન અને તેમની બે વર્ષની પુત્રી જીનલે રાત્રિના સમયે ગુવાર-બટેટાનું શાક અને રોટલો ખાધો હતો. ત્યારબાદ ત્રણેયને ઊલટી થવા લાગી હતી.

પરિવારજનોએ શરૂઆતમાં વાંસોજ ગામમાં જ પ્રાથમિક સારવાર કરાવી હતી. જોકે, સવારે તબિયત વધુ બગડતાં ત્રણેયને 108 એમ્બ્યુલન્સ મારફતે ઉનાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. હોસ્પિટલમાં પહોંચ્યા બાદ તબીબોએ બે વર્ષની બાળકી જીનલને મૃત જાહેર કરી હતી. માતા સોનલબેન પુત્રીના આઘાતમાં સારવાર દરમિયાન બોલી શકતાં નથી અને તેમની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યાં છે. બાળકીનો મૃતદેહ ઉના સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.

એપેક્ષ હોસ્પિટલના એમ.ડી. અને ફિઝિશિયન ડો. જી. એમ. કલસરિયાએ જણાવ્યું કે રાજેશભાઈ અને સોનલબેન બંનેને ઊલટી, ઉપકા અને પેટના દુખાવાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતાં. પ્રાથમિક બ્લડ ઇન્વેસ્ટિગેશન, સોનોગ્રાફી અને રૂટિન તપાસના રિપોર્ટ પ્રમાણે પ્રાથમિક રીતે ફૂડ પોઈઝનિંગની આશંકા છે.

જોકે, પરિવારના ત્રણેય સભ્યોની તબિયત લથડવાનું અને બાળકીના મોતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. બાળકીના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું કારણ જાણી શકાશે. આ ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.