ઉના તાલુકાના કંસારી ગામ નજીક ભૂતડાદાદાના મંદિર પાસે આજે બપોરે વેગનઆર કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે યુવાનોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં.
પોલીસના જણાવ્યા મુજબ, ભડિયાદર ગામના ૧૮ વર્ષીય કુલદીપ ભાણજીભાઈ સોલંકી અને ૧૮ વર્ષીય જીગર બટુકભાઈ સોલંકી બાઈક પર ભડિયાદરથી ઉના તરફ પેટ્રોલ ભરવા આવી રહ્યા હતા. તે દરમિયાન કંસારી નજીક તેમની બાઈકનો કાર સાથે અથડામણ થઈ હતી.
અકસ્માત એટલો ગંભીર હતો કે કાર અને બાઈક રોડની સાઈડના પાંચ ફૂટથી વધુ ઊંડા ખાડામાં ધડાકાભેર ખાબક્યાં હતાં. બંને યુવાનોને ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ તેમના મોત નીપજ્યા હતા.
ઘટનાની જાણ થતાં આસપાસના ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતના કારણે રોડ પર ટ્રાફિક જામ થયો હતો. જીગરનો મૃતદેહ રોડ પર હોવાથી પરિવારજનો ઘટનાસ્થળે પહોંચતાં હૃદયદ્રાવક આક્રંદના દૃશ્યો જોવા મળ્યા હતા.
બંને યુવાનોના મૃતદેહને ઉના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં પરિવારજનો, સગા-સંબંધીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો પહોંચ્યા હતા.
અકસ્માત બાદ કારમાં સવાર લોકો કારને સ્થળ પર મૂકીને નીકળી ગયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.
હાલ જન્માષ્ટમીના તહેવારને કારણે ભડિયાદર ગામમાં ઉત્સાહનો માહોલ હતો. પરંતુ આ કરુણ ઘટનાથી બંને પરિવારમાં ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો છે. સમગ્ર કંસારી અને ભડિયાદર પંથકમાં શોકનો માહોલ છવાયો છે.