સત્ય. સાહસ. સંકલ્પ.

ઉનાના પાલડી-કેસરિયામાં ભારે વરસાદ: 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, 200થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા

ઉનાના પાલડી-કેસરિયામાં ભારે વરસાદ: 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, 200થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા

ઉના તાલુકાના દરિયાઈ પટ્ટામાં આવેલા પાલડી અને કેસરિયા ગામમાં ગત મોડી રાત્રે પડેલા ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું. રાત્રે ચાર કલાકમાં આઠ ઈંચથી વધુ વરસાદ પડતાં ગામના રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા હતા. 200થી વધુ ઘરોમાં પાણી ઘૂસી જતાં અનાજ સહિત ઘરવખરી પલળી ગઈ હતી.

પાલડી ગામના નીચાણવાળા વિસ્તારોમાં રાત્રિના સમયે વરસાદી પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો. રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતાં એક મકાનથી બીજા મકાન સુધી જવું પણ મુશ્કેલ બન્યું હતું. અનેક ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી, અનાજ અને અન્ય સામાન પાણીમાં પલળી ગયો હતો. પરિવારોએ બાળકો અને ઘરનો સામાન બચાવવાની સાથે રાતભર જાગીને પાણી ઓસરવાની રાહ જોવી પડી હતી. સ્થાનિક આગેવાનના જણાવ્યા મુજબ પાલડીમાં આશરે 200 ઘરો વરસાદી પાણીથી અસરગ્રસ્ત થયા હતા. અચાનક પાણી ઘૂસી આવતા લોકોમાં ચિંતા ફેલાઈ હતી. સ્થાનિકોએ રાત્રિના સમયે વહીવટી તંત્રને જાણ કરી હોવા છતાં તેમના જણાવ્યા મુજબ રાત્રે તંત્રની ટીમ સ્થળ પર પહોંચી ન હતી.

ભારે વરસાદ બાદ કેસરિયા ગામમાં લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો. કેસરિયા ગામના સ્થાનિકોના જણાવ્યા મુજબ આખી રાત પાણી વચ્ચે પરિસ્થિતિનો સામનો કર્યા બાદ પણ સવાર સુધી સ્થાનિક સરપંચ કે વહીવટી તંત્રનો કોઈ અધિકારી સ્થળ પર પહોંચ્યો ન હતો. બીજી તરફ પાલડી ગામના સરપંચ ભાસ્કરની ટીમ સાથે અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા હતા. તેમણે પાણી ભરાયેલા ઘરોની સ્થિતિ જોઈ હતી અને પાણીના નિકાલની વ્યવસ્થા અંગે વાત કરી હતી. જોકે, તેમને પણ સ્થાનિકોના રોષનો સામનો કરવો પડ્યો હતો.

કેસરિયાના રાજેશ જોશીએ વરસાદની ભયનકતા દર્શાવતા ભાસ્કરને જણાવ્યું, “કાલે સાંજે 6 વાગ્યાથી વરસાદ શરૂ થયો અને 2 વાગ્યા સુધીમાં ધોધમાર પાંચથી સાડા છ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. શેરીઓમાં કમર સુધીના પાણી ભરાયા હતા. ઘરોમાં પાણી ઘૂસી જતાં અનાજ સહિત ઘરવખરી પલળી ગઈ. ઘર છોડીને જવું પડે એવી સ્થિતિ થઈ હતી. સવારે ગામના સરપંચ કે ઉનાથી કોઈ અધિકારી અમને જોવા પણ આવ્યાં નથી. અમને નુકસાન થયું છે એનું યોગ્ય વળતર મળે એવી અમારી માંગણી છે.”

વ્યાપક વરસાદના કારણે બંને ગામોમાં અનેક પરિવારોના ઘરોમાં અનાજ અને ઘરવખરી પાણીમાં પલળી ગઈ હતી. એક તરફ બાળકોને સાચવવાની ચિંતા તો બીજી તરફ ઘરનો સામાન બચાવવાની મથામણ વચ્ચે લોકોએ આખી રાત પસાર કરી હતી. સવાર થતાં ધીમે-ધીમે પાણી ઓસરવાનું શરૂ થતાં અસરગ્રસ્ત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

કેસરિયા ગામમાં પણ ભારે વરસાદની અસર જોવા મળી હતી. નવાપરા વિસ્તાર, બાંભણીયા શેરી અને રામદેવપીર વિસ્તાર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી ગયા હતા. પાણીનો પ્રવાહ વધતા લોકો માટે રાતભર મુશ્કેલીભરી બની હતી. સવાર સુધી લોકો પાણી ઓસરવાની રાહ જોતા રહ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ ગામમાં તાજેતરમાં બનેલા નવા રોડની ઊંચાઈ કેટલાક ઘરો કરતા વધારે હોવાથી ભારે વરસાદ દરમિયાન પાણીનો નિકાલ ન થતાં પાણી ઘરોમાં ફરી વળ્યું હતું. સ્થાનિકોએ વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે.

પાલડી અને કેસરિયા જેવા દરિયાઈ પટ્ટાના ગામોમાં ભારે વરસાદ દરમિયાન વારંવાર પાણી ભરાવાની સ્થિતિ સર્જાતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘરોમાં ન ઘૂસે તે માટે યોગ્ય ડ્રેનેજ અને પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની તેમજ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની માંગ ઉઠી છે.