ગીર-સોમનાથ જિલ્લામાં ઉના નજીક દરિયામાં એક ફિશિંગ બોટ ડૂબી જવાની ઘટના બની છે. વલસાડની ‘માધવી’ નામની આ ફિશિંગ બોટ ભાથોડા વિસ્તારમાં પથ્થર સાથે અથડાઈ હતી.
ઘટના સમયે દરિયામાં ભારે પવન, વરસાદ અને ઉછળતા મોજાં હતા. પથ્થર સાથે અથડાયા બાદ બોટને મોટું નુકસાન થયું અને તે ડૂબવા લાગી.
બોટ ડૂબી રહી હોવાનું જોઈને તેમાં સવાર કુલ 12 માછીમારોએ જીવ બચાવવા માટે દરિયામાં કૂદકો લગાવ્યો હતો. અકસ્માતની જાણ થતાં જ આસપાસ માછલી પકડી રહેલી અન્ય બોટો તરત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
સમયસર મદદ મળતાં તમામ 12 માછીમારોને દરિયામાંથી સલામત રીતે બચાવી લેવામાં આવ્યા અને અન્ય બોટોમાં લાવવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.
મરીન પોલીસ અને ફિશરીઝ વિભાગે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. બોટ પથ્થર સાથે કેવી રીતે અથડાઈ અને અકસ્માત પાછળના ચોક્કસ કારણો શું હતા, તે જાણવા માટે કાર્યવાહી ચાલુ છે.