ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ભીંગરણ ગામમાં બુધવારે બપોરે 3:00 થી 3:30 વાગ્યા વચ્ચે 85 વર્ષીય વૃદ્ધા રખમાંઈબેન પીઠાભાઈ બાંભણીયાની લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી છે. આંગણવાડી નજીક રહેતાં રખમાંઈબેન ઘરે એકલાં રહેતાં હતાં, જ્યારે તેમનો પરિવાર વાડીએ રહેતો હતો.
પ્રાથમિક વિગતો મુજબ, અજાણ્યા શખસોએ વૃદ્ધા એકલાં હોવાનો લાભ લઈ લૂંટના ઇરાદે તેમના પર હુમલો કર્યો હોવાની આશંકા છે. હત્યારાએ ધારદાર હથિયારથી વૃદ્ધાનું ગળું કાપી નાખ્યું હતું અને બંને કાન કાપીને સોનાના 2 બૂટિયા તથા સોનાની 3 કડી લૂંટી લીધા હતા.
વૃદ્ધાના સંબંધી તેમના ઘરે આવ્યા ત્યારે ઘરમાં લોહીથી લથપથ મૃતદેહ જમીન પર પડેલો જોયો. આ દૃશ્ય જોઈને સંબંધીઓ ચોંકી ઉઠ્યા હતા અને પરિવારજનો તથા પોલીસને ઘટનાની જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં ગ્રામજનો તેમના ઘરે ઉમટી પડ્યા હતા.
ભીંગરણ ગામના સરપંચ જયેશ સોલંકીએ જણાવ્યું કે આ ઘટના અંગે 4:00 વાગ્યે ફોન આવતા તરત જ પોલીસને બોલાવવામાં આવી હતી. મૃતદેહને ઉના સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.
મૃતક રખમાંઈબેનના પુત્રવધૂ લલિતાબેને કહ્યું કે, "દાગીના જોતા હતા તો મારા દાગીના આપી દેત, પણ મારા સાસુની હત્યા નહોતી કરવી."
ઘટનાની જાણ થતાં નવા બંદર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી છે. વૃદ્ધાની હત્યા લૂંટના ઇરાદે કરવામાં આવી છે કે કેમ, આરોપીઓ કોણ છે અને ઘટનામાં કેટલા શખસો સંડોવાયેલા છે તે સહિતના મુદ્દાઓ પર પોલીસ તપાસ કરી રહી છે.