સત્ય. સાહસ. સંકલ્પ.

UN નકશામાં અરુણાચલ અને અક્સાઈ ચીન અલગ દર્શાવાતાં ભારતનો વાંધો

UN નકશામાં અરુણાચલ અને અક્સાઈ ચીન અલગ દર્શાવાતાં ભારતનો વાંધો

સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા તાજેતરમાં પ્રકાશિત નવા વિશ્વ નકશામાં અરુણાચલ પ્રદેશ અને અક્સાઈ ચીનને ભારતથી અલગ પ્રદેશો તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ નકશાને ભારતે 4 સપ્ટેમ્બરે UN મહાસભામાં સમર્થન આપ્યું હતું, પરંતુ નકશાના આ ચિત્રણને કારણે વિવાદ સર્જાયો છે.

આ નવો નકશો આફ્રિકન યુનિયનના સમર્થનથી ટોગો દેશ દ્વારા રજૂ કરાયેલા ઠરાવને આધારે તૈયાર કરાયો છે. તેનો હેતુ 16મી સદીના 'મર્કેટર પ્રોજેક્શન' નકશાની ભૂલો સુધારવાનો છે, જેથી આફ્રિકા, લેટિન અમેરિકા અને દક્ષિણ એશિયા જેવા પ્રદેશોના આકાર વધુ સચોટ દેખાય. જોકે, આ નકશો કાયદેસર રીતે બંધનકર્તા નથી, પરંતુ ભવિષ્યમાં તેને પ્રમાણભૂત નકશા તરીકે અપનાવવામાં આવે તેવી શક્યતા છે.

નવા નકશામાં અરુણાચલ પ્રદેશને ચીનની સરહદે આવેલો સ્વતંત્ર પ્રદેશ દર્શાવવામાં આવ્યો છે. તેની આસામ સાથેની સરહદ 'ચીની રેખા' તરીકે ચિહ્નિત કરાઈ છે. આ જ રીતે અક્સાઈ ચીનને પણ અલગ પ્રદેશ બતાવવામાં આવ્યો છે, જેની પશ્ચિમે ભારત અને પૂર્વમાં ચીન છે.

નકશામાં જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LoC) ને ડોટેડ લાઇનથી દર્શાવવામાં આવી છે. નીચેની નોંધમાં જણાવાયું છે કે આ લાઇન બંને દેશો વચ્ચે સંમત થયેલી અંદાજિત છે અને કાશ્મીરના અંતિમ દરજ્જા અંગે કોઈ સર્વસંમતિ નથી.

ભારતના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે સમાન નકશાને પ્રોત્સાહન આપવાના સિદ્ધાંતને કારણે જ આ ઠરાવને ટેકો આપવામાં આવ્યો હતો. આ મતદાનનો અર્થ ચોક્કસ સીમાઓને માન્યતા આપવાનો નથી. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને અરુણાચલ પ્રદેશ સહિતના તમામ પ્રદેશો ભારતના અભિન્ન અંગ છે. કોઈ પણ ખોટું ચિત્રણ અસ્વીકાર્ય છે.