સત્ય. સાહસ. સંકલ્પ.

દિલ્હીમાં અટકાયત પર સંયુક્ત રાષ્ટ્રની ચિંતા, ભારત સરકારને સંયમ જાળવવાની સલાહ

દિલ્હીમાં અટકાયત પર સંયુક્ત રાષ્ટ્રની ચિંતા, ભારત સરકારને સંયમ જાળવવાની સલાહ

દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ના નેતૃત્વમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોને લઈને સંયુક્ત રાષ્ટ્ર (UN)ના માનવ અધિકાર કાર્યાલયે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. યુએનએ ભારતીય સત્તાધીશોને શાંતિપૂર્ણ વિરોધ કરવાના નાગરિકોના અધિકારનું સન્માન કરવા અને પોલીસને સંયમ જાળવવાની સલાહ આપી છે.

યુએન માનવ અધિકાર કાર્યાલયના પ્રવક્તા થમીમ અલ-ખૈથને એક નિવેદનમાં જણાવ્યું કે દિલ્હીમાં થયેલા વિરોધ પ્રદર્શનો પહેલાં અને દરમિયાન આંદોલનકારીઓ, ચળવળના નેતાઓ, નાગરિક સંગઠનોના સભ્યો, વકીલો અને પત્રકારોની અટકાયત ચિંતાજનક છે. તેમણે પોલીસ અને કાયદા અમલીકરણ એજન્સીઓને પ્રદર્શનકારીઓ સાથે વ્યવહાર કરતી વખતે મહત્તમ સંયમ જાળવવાની અપીલ કરી. તેમણે કહ્યું, "અમે સત્તાધીશોને વિનંતી કરીએ છીએ કે શાંતિપૂર્ણ સભાના અધિકારનું સંપૂર્ણ સન્માન કરવામાં આવે. જે લોકોને મનસ્વી રીતે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે તેમને તાત્કાલિક અને કોઈપણ શરત વિના મુક્ત કરવા જોઈએ."

ઉલ્લેખનીય છે કે CJPએ દિલ્હીના જંતર-મંતર ખાતે મોટા વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું, પરંતુ દિલ્હી પોલીસે કાયદો અને વ્યવસ્થાના કારણે પરવાનગી આપી ન હતી. આખા વિસ્તારમાં ભારે સુરક્ષા ગોઠવાઈ હતી અને રસ્તાઓ પર નાકાબંધીને કારણે હજારો પ્રદર્શનકારીઓ મુખ્ય સ્થળે પહોંચી શક્યા ન હતા. પોલીસે જંતર-મંતર તરફ કૂચ કરી રહેલા હજારો લોકોની અટકાયત કરી હતી, જેમાંથી ઘણાને પાછળથી મુક્ત કરી દેવાયા હતા.

આ ઉપરાંત, CJPના સ્થાપક અભિજીત દીપકે અને તેમના સાથીઓ સૌરવ દાસ તથા આશુતોષ રંકાને મુંબઈથી દિલ્હી પહોંચતાં જ ફ્લાઇટમાંથી ઉતરતાની સાથે પોલીસે અટકાયતમાં લીધા હતા. આ હાઈ-પ્રોફાઈલ નેતાઓની અટકાયત અંગે દિલ્હી પોલીસે હજુ સુધી જાહેરમાં કોઈ સત્તાવાર ટિપ્પણી કરી નથી.

આટલી પોલીસ કાર્યવાહી છતાં CJP પીછેહઠ કરવાના મૂડમાં નથી. પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી જ્ઞાનેશ કુમાર રાજીનામું નહીં આપે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે. CJPએ રવિવાર, 11 ઓક્ટોબરના રોજ સવારે 10 વાગ્યે જંતર-મંતર પર ફરી વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. આ સંજોગોમાં દિલ્હી ટ્રાફિક પોલીસે નવી દિલ્હી અને મધ્ય દિલ્હીમાં વાહનચાલકો માટે સંભવિત ટ્રાફિક પ્રતિબંધોની એડવાઇઝરી જારી કરી છે.

CJPના નેશનલ ઓર્ગેનાઇઝેશન ઇન્ચાર્જ અજિંક્ય શિંદેએ કહ્યું, "સરકારને લાગે છે કે અમારી અટકાયત કરી લેશે એટલે અમે ડરીને ઘરે પાછા જતા રહીશું. પરંતુ મોદી અને શાહનો આ ડર જ સાબિત કરે છે કે અમે અડધી લડાઈ જીતી ચૂક્યા છીએ." તેમણે ઉમેર્યું, "તમે ગમે તેટલા લોકોને જેલમાં પૂરો, પણ જ્યાં સુધી જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે પીછેહઠ નહીં કરીએ. અમે કાલે સવારે 10 વાગ્યે ફરીથી જંતર-મંતર પર જઈશું." તેમણે સામાન્ય જનતાને મોટી સંખ્યામાં વિરોધમાં જોડાવા અને પોલીસ અટકાવે તો પણ શાંતિપૂર્ણ વિરોધ ચાલુ રાખવાની અપીલ કરી છે. હવે દેશભરની નજર 11 ઓક્ટોબરે દિલ્હીમાં આ આંદોલન કયું નવું સ્વરૂપ ધારણ કરે છે તેના પર ટકેલી છે.