સત્ય. સાહસ. સંકલ્પ.

યુએનનો ઐતિહાસિક નિર્ણય: 450 વર્ષ જૂનો 'મર્કેટર' નકશો હવે નહીં, નવો નકશો શિક્ષણમાં

યુએનનો ઐતિહાસિક નિર્ણય: 450 વર્ષ જૂનો 'મર્કેટર' નકશો હવે નહીં, નવો નકશો શિક્ષણમાં

લગભગ 450 વર્ષથી વિશ્વના નકશામાં દેખાતી ભૌગોલિક અસમાનતાને દૂર કરવા માટે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA) એ એક ઐતિહાસિક ઠરાવ પસાર કર્યો છે. આ ઠરાવમાં 164 દેશોએ તરફેણમાં અને માત્ર એક દેશે વિરોધમાં મત આપ્યો હતો. આ નિર્ણયથી હવે શાળાઓ અને વૈશ્વિક મંચ પર 'મર્કેટર પ્રોજેક્શન' નકશાને બદલે 'ઇક્વલ અર્થ' (Equal Earth) નકશાનો ઉપયોગ કરવામાં આવશે, જે દેશોના વાસ્તવિક ક્ષેત્રફળને વધુ સચોટ રીતે દર્શાવે છે.

આ નિર્ણયથી ભારત સહિત 'ગ્લોબલ સાઉથ'ના દેશોની ભૌગોલિક હાજરીને વિશ્વ સમક્ષ સાચી રીતે રજૂ કરી શકાશે. ભારતનું વાસ્તવિક ક્ષેત્રફળ બદલાશે નહીં, પરંતુ નકશામાં તેનું પ્રમાણ હવે અગાઉ કરતાં વધુ સચોટ દેખાશે. આ નિર્ણય ભૌગોલિક દૃષ્ટિકોણમાં મોટો પરિવર્તન લાવી શકે છે.

હાલમાં ઉપયોગમાં લેવાતો 'મર્કેટર પ્રોજેક્શન' નકશો 1569માં દરિયાઈ મુસાફરી માટે વિકસાવવામાં આવ્યો હતો. તેમાં ગ્રીનલેન્ડ આફ્રિકા જેટલો મોટો દેખાય છે, જ્યારે વાસ્તવમાં આફ્રિકા ગ્રીનલેન્ડ કરતાં 14 ગણું મોટું છે. યુરોપ, રશિયા અને કેનેડા જેવા ઉત્તરીય પ્રદેશો પણ હકીકત કરતાં મોટા દેખાય છે. આ નકશામાં વિષુવવૃત્તની નજીક આવેલા ભારત, આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોને નાના દર્શાવવામાં આવે છે, જે ભૌગોલિક રીતે સાચું નથી.

'ઇક્વલ અર્થ' નકશો દેશો અને ખંડોના વાસ્તવિક ક્ષેત્રફળને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. આ નકશાનો ઉપયોગ કરવાથી વિશ્વની સાચી ભૌગોલિક રચના સમજવામાં મદદ મળશે. આ નિર્ણયથી શિક્ષણના ક્ષેત્રે પણ મોટો બદલાવ આવશે, કારણ કે હવે વિદ્યાર્થીઓને વાસ્તવિકતાની નજીકનો નકશો ભણાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે 'મર્કેટર પ્રોજેક્શન' જાણી જોઈને બનાવવામાં આવ્યો ન હતો, પરંતુ તેની રચનાની પદ્ધતિને કારણે ઉત્તરી પ્રદેશો મોટા દેખાય છે. તેમાં રેખાંશોને સમાંતર દોરવામાં આવે છે, જે ધ્રુવો પાસે ખેંચાણ પેદા કરે છે. આથી દેશોના આકાર સાચવવા માટે અક્ષાંશો વચ્ચેનું અંતર વધારવામાં આવ્યું, જેના કારણે ધ્રુવો પાસેના વિસ્તારો વિશાળ દેખાય છે.