નવરાત્રિના બીજા દિવસે જાણીતા લોકગાયક ઉમેશ બારોટે સુરતમાં પોતાના સુરથી ખેલૈયાઓને મોજ કરાવી દીધી. આ પ્રસંગે દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં તેમણે સંગીતની સફર, સ્ટેજ પર્ફોર્મન્સ, એનર્જી અને ખેલૈયાઓ પ્રત્યેના પ્રેમ વિશે ખુલીને વાત કરી.
પુષ્પા ફિલ્મના ડાયલોગનો સંદર્ભ આપતાં ઉમેશ બારોટે કહ્યું, 'પુષ્પા મૂવીનો એક ડાયલોગ છે, 'ઝૂકેગા નહી સાલા'.. ત્યારે હું એવું કહું છું કે, સુરત ખેલનેમાં જબ તક રુકેગા નહીં તબ તક મેં ભી ઝૂકેગા નહીં..'
સંગીત ક્ષેત્રમાં સંઘર્ષ અને રિયાઝ અંગે તેમણે જણાવ્યું કે, લોકસંગીત તેમને વારસામાં અને ગર્ભસંસ્કારમાંથી જ મળ્યું છે. આ ઉપરાંત તેમણે મ્યુઝિક કૉલેજમાંથી શાસ્ત્રીય સંગીતની તાલીમ પણ લીધી છે. તેથી સંગીતમાં, માહોલમાં કે ક્યા સમયે શું ગાવું તેમાં તેમને તકલીફ પડતી નથી. ક્લાસિકલ તાલીમ અને ફોક મ્યુઝિકનો વારસો બંને તેમની સાથે છે.
ગરબાની શરૂઆત અંગે તેમણે કહ્યું કે, તેમનો પહેલો પ્રયાસ એ જ હોય છે કે ગરબાની શરૂઆત માતાજીની આરાધના અને ભગવાનના નામથી થાય. ગાવું એના કરતાં ભાવ ભળે તો જ સાચો માહોલ ઊભો થાય છે. ભાવ વગર ગાવું નકામું છે. જ્યાં સુધી માતાજીનો સાક્ષાત્કાર ન થાય કે રૂંવાડાં ઊભાં ન થાય ત્યાં સુધી તેમને પોતાને પણ મજા આવતી નથી.
9થી 10 કલાક સુધી હાઈ-એનર્જી સાથે ગાવાના રહસ્ય અંગે તેમણે કહ્યું કે, સૌથી મોટું રહસ્ય માતાજીના આશીર્વાદ છે. સ્ટેજના પહેલા પગથિયાં પર હાથ અડાડીને માતાજીનું નામ લઈને જ તેઓ ચઢે છે. અવાજ બેસી ગયો હોય કે થાક લાગ્યો હોય, તો પણ ભગવતી પાછળથી ધક્કો મારતી હોય તેવી ઊર્જા મળી રહે છે. સાથે જ ખેલૈયાઓ પાસેથી પણ એનર્જી મળે છે. તેમની ‘વાહ-વાહ’ અને શાઉટિંગ જોઈને ગાવાનો બમણો જોશ આવી જાય છે.
બોલિવૂડ અને પરંપરાગત ગરબા અંગે તેમણે કહ્યું કે, ગરબાના માહોલમાં તેઓ બોલિવૂડના ગીત ગાતા નથી. જો કે, પબ્લિકને આકર્ષવા માટે ક્યારેક નાનો-મોટો શણગાર કે છાંટ આપીએ છીએ. આપણી પરંપરા તરફ જો પબ્લિક વળતી હોય તો એવા સો શણગાર કરવા પણ અમે તૈયાર છીએ.
સુરતી ખેલૈયાઓના ઉત્સાહને અદ્દભુત ગણાવીને તેમણે કહ્યું કે, સુરત એક એવું શહેર છે જ્યાં નવરાત્રિ 365 દિવસ ચાલતી હોય તેવું લાગે છે. અહીં ગલીએ ગલીએ ગરબા અને દોઢિયા ક્લાસિસ ચાલતા હોય છે. લગ્ન હોય કે કોઈ પણ પ્રસંગ, સુરતીઓ ગરબાને પહેલું પ્રાધાન્ય આપે છે. સ્ટેજ પર સરપ્રાઈઝ અનુભવ શેર કરતાં તેમણે કહ્યું કે, ક્યારેક એવું બને કે જે ગીત અમારા લિસ્ટમાં જ ન હોય, પરંતુ પબ્લિક મોબાઈલની સ્ક્રીન પર બતાવીને ગાવાની રિક્વેસ્ટ કરે છે. ત્યારે પણ લોકોની ખુશી માટે અમે તે ગાઈએ છીએ.
ઘેરદાર ઘુમતા.. ગોરી તમે મનડા મોહી લીધા રાજ..માં ઉમેશ બારોટે સુર આપ્યો છે એ જ તેમનો ફેવરિટ ગરબો છે. સ્ટેજ પર જતા પહેલા તેમના મનમાં માત્ર એક જ વિચાર કે પ્રાર્થના હોય છે કે, તેમની અને તેમની આખી ટીમની ઊર્જા છેલ્લે સુધી જળવાઈ રહે.