વલસાડના ઉમરગામ તાલુકાના સંજાણ-ભીલાડ માર્ગ પર ગુરુવારે મોડી રાત્રે એક ગંભીર માર્ગ અકસ્માત થયો હતો. વાપીથી ઉમરગામ તરફ પૂરઝડપે આવી રહેલી સ્વિફ્ટ કાર ચાલકનો કાબૂ ગુમાવતાં કાર રસ્તા કિનારે આવેલા ઝાડ સાથે જોરદાર અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર પાંચ યુવકોમાંથી ત્રણનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે બે યુવકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
પ્રાથમિક તપાસ અનુસાર, આ પાંચેય યુવકો ઉમરગામથી ભીલાડ હાઈવે પર આવેલી એક હોટલમાં જમવા ગયા હતા અને ત્યાંથી પરત ઉમરગામ આવી રહ્યા હતા. તે દરમિયાન કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતાં આ અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે કારનું પડીકું વળી ગયું હતું અને કારના ફૂરચેફૂરચા થઈ ગયા હતા.
અકસ્માતની જાણ થતાં જ ઉમરગામ ફાયર વિભાગની ટીમ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. કારમાં ફસાયેલા યુવકોને બહાર કાઢવા માટે ક્રેન અને કટરની મદદથી કારના પતરા કાપવામાં આવ્યા હતા. આ ઓપરેશન બાદ મૃતકો અને ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા હતા.
ઘાયલ બિક્રમ સંપત સિંહને વલસાડ સિવિલ હોસ્પિટલમાં જ્યારે જલમ મધ સિંહને સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ તમામ યુવકો ઉમરગામની અલગ-અલગ ખાનગી કંપનીમાં નોકરી કરતા હોવાનું સામે આવ્યું છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક ત્રણેય યુવકો ઉત્તરપ્રદેશના રહેવાસી હતા. જોકે, મૃતકોની ઓળખ અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. અકસ્માતને કારણે માર્ગ પર લોકોના ટોળાં ભેગા થઈ ગયા હતા.