વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ વિસ્તારમાં ગુરુવારે (17મી સપ્ટેમ્બર) મોડી રાત્રે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. વાપીથી પરત ફરી રહેલી કાર ચાલકના કાબૂ બહાર જઈને રસ્તાની બાજુમાં આવેલા વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર પાંચમાંથી ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય બે યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે.
મળતી માહિતી અનુસાર, ઉમરગામના સુંદરવન વિસ્તારમાં આવેલા સિદ્ધિવિનાયક એપાર્ટમેન્ટમાં રહેતા 26 વર્ષીય અર્જુન ત્રિયોગીનાથ શાહ, 30 વર્ષીય નરેન્દ્ર રઘુવીરસિંહ રાઠોડ, 27 વર્ષીય બાલારામ ઉર્ફે કિશન ભવરલાલ મેઘવાલ અને તેમના અન્ય બે મિત્રો ગુરુવારે કાર લઈને વાપી ગયા હતા. મોડી રાત્રે પાંચેય મિત્રો કારમાં ઉમરગામ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ઉમરગામ-ભિલાડ રોડ પર આવેલા સંજાણ નજીકના ધિમસાકાકરિયા ગામ પાસે અચાનક ચાલકે કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો. પૂરઝડપે જતી કાર રોડ સાઈડના વૃક્ષ સાથે અથડાતાં મોટો ધડાકો થયો હતો અને કારના કચ્ચરઘાણ વાગ્યા હતા.
અકસ્માતનો ભયાનક અવાજ સાંભળી આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા ઈજાગ્રસ્તોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. ઘટનાની જાણ પોલીસને કરાતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. જોકે, ગંભીર ઈજાઓને કારણે અર્જુન શાહ, નરેન્દ્ર રાઠોડ અને બાલારામ મેઘવાલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે મિત્રોને બેભાન અવસ્થામાં તાત્કાલિક વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મૃતકોમાં અર્જુન શાહ અને બાલારામ મેઘવાલ રીક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા, જ્યારે નરેન્દ્ર રાઠોડ ક્લેન્ડઝેડ કંપનીમાં નોકરી કરતો હતો. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી ઉમરગામમાં શોકની લાગણી ફેલાઈ છે.