સત્ય. સાહસ. સંકલ્પ.

WPL હરાજીમાં 15 વર્ષની ઉમા કાશ્વીએ રચ્યો ઇતિહાસ, દિલ્હી કેપિટલ્સે 10 લાખમાં ખરીદી

WPL હરાજીમાં 15 વર્ષની ઉમા કાશ્વીએ રચ્યો ઇતિહાસ, દિલ્હી કેપિટલ્સે 10 લાખમાં ખરીદી

મહિલા પ્રીમિયર લીગ (WPL)ની પાંચમી આવૃત્તિ માટે બુધવારે કોચીમાં મિની હરાજી યોજાઈ. આ હરાજીમાં કર્ણાટકની 15 વર્ષીય ખેલાડી ઉમા કાશ્વીએ ઇતિહાસ રચ્યો છે. WPL હરાજીમાં વેચાયેલી તેઓ સૌથી નાની ઉંમરની ખેલાડી બન્યા છે. દિલ્હી કેપિટલ્સે તેમને તેમની બેઝ પ્રાઇસ 10 લાખ રૂપિયામાં ખરીદ્યા છે.

ઉમા કાશ્વીનો જન્મ 9 એપ્રિલ, 2011ના રોજ થયો હતો. ભારતે 2011માં વનડે વર્લ્ડ કપ જીત્યો તેના એક અઠવાડિયા પહેલા તેમનો જન્મ થયો હતો. તેમની વાર્તા વૈભવ સૂર્યવંશી સાથે મળતી આવે છે, જે IPLમાં રમનાર સૌથી નાની ઉંમરના ખેલાડી છે. વૈભવનો જન્મ પણ 2011માં જ થયો હતો અને તેમણે 15 વર્ષની ઉંમરે IPL ડેબ્યૂ કર્યું હતું. જોકે, રાજસ્થાન રોયલ્સે તેમને 14 વર્ષની ઉંમરે 1.1 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા.

ઉમા કાશ્વીએ હરિયાણાની દીયા યાદવનો રેકોર્ડ તોડ્યો છે, જેમણે ગયા વર્ષે 16 વર્ષની ઉંમરે દિલ્હી કેપિટલ્સ સાથે WPL કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો.

ઉમા કાશ્વી 7 વર્ષની ઉંમરથી ક્રિકેટ રમે છે. તેમણે ઘર પાસેની એક ક્રિકેટ એકેડેમીમાં જોડાઈને તાલીમ શરૂ કરી હતી. ઘરેલુ ક્રિકેટમાં તેઓ કર્ણાટક માટે રમે છે. તેઓ જમણા હાથની બેટ્સમેન અને ઓફ-સ્પિન બોલર છે. અંડર-15 ટૂર્નામેન્ટમાં તેમણે 516 રન બનાવ્યા હતા, જેના પછી તેમની ચર્ચા શરૂ થઈ હતી. તેઓ કર્ણાટકની અંડર-15 ટીમના કેપ્ટન પણ રહ્યા છે અને બેંગલુરુ બ્લાસ્ટર્સ માટે મહારાણી ટ્રોફીમાં કેપ્ટનશીપ કરી છે.

આ હરાજીમાં ઓસ્ટ્રેલિયાની સોફી મોલિન્યુક્સ સૌથી મોંઘી વેચાયેલી ખેલાડી રહી. યુપી વોરિયર્સે તેમને 1.1 કરોડ રૂપિયામાં ખરીદ્યા, જ્યારે તેમની બેઝ પ્રાઇસ 50 લાખ રૂપિયા હતી. સૌથી મોંઘી વેચાયેલી ભારતીય ક્રિકેટર કિરણ નવગીરે રહ્યા, જેમને પણ દિલ્હી કેપિટલ્સે ખરીદ્યા છે.