યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયાના પાંચ લાખથી વધુ સૈનિકો માર્યા ગયા છે અને 10 લાખથી વધુ ઘાયલ થયા છે. આ દાવો બ્રિટનના સંરક્ષણ વિભાગના વરિષ્ઠ અધિકારી સર રિચર્ડ નાઇટને કર્યો છે. ફેબ્રુઆરી 2022માં રશિયાએ યુક્રેન પર પૂર્ણ આક્રમણ શરૂ કર્યું ત્યારથી આ આંકડા છે.
બ્રિટનના ડિફેન્સ સ્ટાફના પ્રમુખ એર ચીફ માર્શલ સર રિચર્ડ નાઇટને પત્રકારોને જણાવ્યું કે રશિયાના સશસ્ત્ર દળોએ મોટા પ્રમાણમાં સૈન્ય સાધનો ગુમાવ્યા છે. જેમાં 10,000 બુલેટ પ્રુફ વાહનો, 3,000 એર ડિફેન્સ અને આર્ટિલરી સિસ્ટમ, 370 એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સામેલ છે. પશ્ચિમી અધિકારીઓ અને નિષ્ણાતો માને છે કે આ વર્ષે રશિયાની આગળ વધવાની ગતિ ખૂબ ધીમી પડી ગઈ છે.
આ આંકડા યુક્રેનની સેના દ્વારા પ્રકાશિત આંકડા સાથે મેળ ખાય છે. જોકે, રશિયન અધિકારીઓએ આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.
દરમિયાન, રશિયાએ કીવમાં ગેસ સ્ટેશનો પર ડ્રોન હુમલો કર્યો છે. યુક્રેનના જણાવ્યા અનુસાર, આ હુમલામાં બે લોકોના મોત થયા છે અને છ ઘાયલ થયા છે. યુક્રેને આરોપ લગાવ્યો છે કે નાગરિકોને ડરાવવા માટે રશિયા ગેસ સ્ટેશનોને નિશાન બનાવી રહ્યું છે.
મધ્ય યુક્રેનના એક શોપિંગ મોલ પર રશિયાના હુમલામાં પાંચ લોકોના મોત થયા છે અને 67 લોકો ઘાયલ થયા છે.
બીજી તરફ, રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે તેણે યુક્રેનના 777 ડ્રોન તોડી પાડ્યા છે. આ ડ્રોન હુમલામાં બે લોકોના મોત થયા છે અને ત્રણ ઘાયલ થયા છે.