સત્ય. સાહસ. સંકલ્પ.

યુક્રેન-રશિયા યુદ્ધમાં રોબોટ સૈનિકો: 3,000 રશિયન સૈનિકો ઠાર, ડોનેત્સ્કમાં 5 ગામો પર ફરી નિયંત્રણ

યુક્રેન-રશિયા યુદ્ધમાં રોબોટ સૈનિકો: 3,000 રશિયન સૈનિકો ઠાર, ડોનેત્સ્કમાં 5 ગામો પર ફરી નિયંત્રણ

રશિયા-યુક્રેન યુદ્ધમાં હવે રોબોટ સૈનિકો પણ મોરચો સંભાળી રહ્યા છે. યુક્રેને પહેલીવાર મોટા પાયે આત્મઘાતી જમીની રોબોટનો ઉપયોગ કરીને રશિયન સેનાઓ પર હુમલો કરવાનો દાવો કર્યો છે.

યુક્રેનની થર્ડ આર્મી કોર્પ્સ અનુસાર, ‘ઓપરેશન વિવાલ્ડી’ હેઠળ રોબોટ અને ડ્રોનની મદદથી રશિયાના આશરે 3,000 સૈનિકોને ઠાર કરવામાં આવ્યા. સાથે જ, પૂર્વી યુક્રેનના ડોનેત્સ્ક વિસ્તારમાં 5 ગામો અને 3 વસાહતો પર ફરીથી નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું.

યુક્રેનિયન સેનાના જણાવ્યા અનુસાર, આ અભિયાન મે મહિનામાં શરૂ થયું હતું અને સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં પૂર્ણ થયું. સેનાએ ગુરુવારે તેની માહિતી જાહેર કરી. આ દરમિયાન રોબોટે 15,700થી વધુ મિશન પૂર્ણ કર્યા.

યુક્રેને પોતાના પ્રોજેક્ટ સાથે જોડાયેલો વીડિયો શેર કર્યો છે, જેમાં ડ્રોનથી દુશ્મનના વિસ્તારમાં રોબોટ ઉતારતા જોઈ શકાય છે.

આ ઓપરેશનમાં ચાર પૈડાંવાળા એવા રોબોટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં વિસ્ફોટકો ભરેલા હતા. મોટા ડ્રોન તેમને રશિયન સેનાની સરહદની અંદર 14.5 કિમી સુધી લઈ જઈને છોડી દેતા હતા. ત્યારબાદ આ રોબોટ જમીન પર ચાલીને રશિયન સૈનિકોના ઠેકાણાં સુધી પહોંચતા અને હુમલો કરતા હતા.

રોબોટમાં લગાવવામાં આવેલા કેમેરાથી આસપાસના વિસ્તાર પર નજર રાખવામાં આવતી હતી. તેમની મદદથી રશિયન સેનાના કમાન્ડ સેન્ટર, સૈનિકોના ઠેકાણાં, હથિયારો અને સામાન રાખવાની જગ્યાઓ તેમજ નદી પાર કરવાના માર્ગો પર હુમલા કરવામાં આવ્યા હતા. આ વ્યૂહરચનાનો હેતુ યુક્રેનિયન સૈનિકોના જીવને જોખમમાં મૂક્યા વિના રશિયન ઠેકાણાં પર હુમલો કરવાનો હતો.

થર્ડ આર્મી કોર્પ્સના કમાન્ડર જનરલ આંદ્રી બિલેત્સ્કીએ જણાવ્યું કે યુક્રેન વિશ્વમાં પહેલીવાર ડ્રોન દ્વારા રોબોટને દુશ્મનના વિસ્તારમાં ઉતારીને હુમલો કરી રહ્યું છે.

સુસાઇડ ગ્રાઉન્ડ રોબોટ નાના વાહનો હોય છે, જે પૈડાં વડે ચાલે છે. તેમને દૂર બેઠેલો ઓપરેટર રિમોટથી ચલાવે છે. તેમાં વિસ્ફોટકો ભરેલા હોય છે. તેઓ દુશ્મનના સૈનિકો અથવા ઠેકાણાઓ સુધી પહોંચીને વિસ્ફોટ કરે છે.

આ રોબોટ્સની મદદથી સૈનિકોને લેન્ડમાઇન, ગોળીઓ અને દુશ્મનના હુમલાઓ વચ્ચે સીધા જવાનો જોખમ ઓછો થાય છે. ડ્રોન તેમને દુશ્મનના વિસ્તારમાં પહોંચાડે છે અને રોબોટમાં લાગેલા કેમેરાથી ઓપરેટર આસપાસની ગતિવિધિઓ પર નજર રાખે છે.

જોકે, આ રોબોટ્સ દરેક કામ આપમેળે કરતા નથી. તેમને ચલાવવામાં અને હુમલાનો નિર્ણય લેવામાં માનવીની ભૂમિકા મહત્વપૂર્ણ હોય છે. આ રોબોટ્સ ટૅન્ક અને બખ્તરબંધ વાહનોની નજીક પહોંચીને વિસ્ફોટ કરે છે.

યુક્રેન યુદ્ધમાં સૈનિકોના જીવ બચાવવા માટે રોબોટ્સની સેના તૈયાર કરી રહ્યું છે. ભૂતપૂર્વ રક્ષા મંત્રી મિખાઇલૉ ફેદોરોવે 26 સપ્ટેમ્બરે ‘આર્મી ઑફ રોબોટ્સ’ પ્રોજેક્ટની જાહેરાત કરી. આ અંતર્ગત યુદ્ધભૂમિમાં એવા રોબોટ્સ તૈનાત કરવાની યોજના છે, જે જોખમી કામો કરી શકે.

પ્રોજેક્ટમાં માનવ જેવા દેખાતા હ્યુમનોઇડ રોબોટ્સ બનાવવામાં આવશે. આ મશીનો મશીનગનમાં ગોળીઓ ભરવા, બેટરી બદલવા અને સેન્સર લગાવવા જેવા કામ કરશે. આથી સૈનિકોને હથિયારો અને અન્ય ઉપકરણોની દેખરેખ માટે સીધા મોરચે જવાની જરૂરિયાત ઘટી શકે છે.

આ યોજનામાં ડ્રોન, જમીન પર ચાલતા માનવરહિત વાહનો (UGV), ઓછી કિંમતના ઇન્ટરસેપ્ટર અને AIની મદદથી હુમલો કરનારી સિસ્ટમ્સ પણ સામેલ છે. આ પ્રોજેક્ટ માટે યુક્રેન પશ્ચિમી દેશોના એન્જિનિયરો, તકનીકી નિષ્ણાતો અને રોકાણકારો પાસેથી સહયોગ મેળવી રહ્યું છે.

યુક્રેન ઉપરાંત રશિયા, ચીન અને ઇઝરાઇલ સહિત અનેક દેશો યુદ્ધમાં ઉપયોગમાં લેવાતા ગ્રાઉન્ડ રોબોટ બનાવી રહ્યા છે. રશિયા તેમનો ઉપયોગ હથિયારો અને જરૂરી સામાન પહોંચાડવા જેવા કામોમાં કરી રહ્યું છે. ચીન એવા રોબોટ બનાવી રહ્યું છે, જે હથિયારો લઈ જવા અને સાથે મળીને કામ કરવા સક્ષમ હોય. બીજી તરફ, ઇઝરાઇલ પણ રોબોટથી સંચાલિત લડાકૂ વાહનો વિકસાવી રહ્યું છે.

ભારત પણ આ ટેક્નોલોજી પર કામ કરી રહ્યું છે. રક્ષા સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી ચાલતા રોબોટ અને માનવરહિત જમીની વાહનો બનાવી રહ્યું છે. ભારતમાં ‘એક્સપ્લોડર’ નામનું એક એવું વાહન વિકસાવવામાં આવ્યું છે, જે ઉબડખાબડ રસ્તાઓ પર ચાલી શકે છે. તેનો ઉપયોગ દેખરેખ રાખવા અને વિસ્ફોટકો સાથે જોડાયેલા જોખમી કામો કરવા માટે કરી શકાય છે.