યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ દેશની સુરક્ષા અને પુનરુત્થાન માટે ભંડોળની માંગ કરી છે. આ દરમિયાન અબુધાબીમાં યોજાયેલી મંત્રણામાં અમેરિકન વાટાઘાટકારોએ યુક્રેનને નાટોનું સભ્યપદ આપવાના બદલામાં પૂર્વ ડોનબાસ વિસ્તાર રશિયાને સોંપી દેવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ પ્રસ્તાવ સાથે યુક્રેન-રશિયા યુદ્ધ સમાપ્ત થઈ શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
અમેરિકન વાટાઘાટકારોએ જણાવ્યું કે આ પ્રકારનો પ્રસ્તાવ પહેલી વખત સામે આવ્યો છે. અબુધાબીમાં યોજાયેલી મંત્રણાના અંતે પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું કે યુક્રેન નાટોમાં જોડાય તો તે પૂર્વ ડોનબાસમાંથી પોતાના સૈન્ય દળો પાછા ખેંચી લેવા અને તે વિસ્તાર રશિયાને સોંપી દેવા તૈયાર છે, જેથી બંને દેશો વચ્ચેનું યુદ્ધ સમાપ્ત થઈ જાય. જોકે, આ અંગે યુક્રેનના વલણને લઈને અસ્પષ્ટતા છે.
બીજી તરફ, યુક્રેનના નેતાએ કહ્યું છે કે જો યુક્રેનને સલામતીની ખાતરી આપવામાં આવે અને સર્વગ્રાહી સુરક્ષા માટે વિશ્વાસ આપવામાં આવે તો તેઓ ભૂમિ છોડી દેવા અંગે જનમત લેવા તૈયાર છે. તેમણે એવી શરત પણ મૂકી છે કે યુક્રેનને તેના સૈન્ય માટે પૂરતું ભંડોળ અને દેશના પુનરુત્થાન માટે પણ પૂરતું ભંડોળ મળવું જોઈએ.
રાજકીય નિષ્ણાતો કહે છે કે નાટોમાં જોડાવાના મુદ્દે જ આ યુદ્ધ ફાટી નીકળ્યું છે. 2014માં મિન્સ્કમાં થયેલા કરારો મુજબ બંને દેશોએ એકબીજાના શત્રુઓ કે વિરોધીઓ સાથે હાથ મેળવવો ન જોઈએ. વાસ્તવમાં નાટો અને હવે વિસર્જિત સેન્ટ્રો અને સીટો કરારો સોવિયેત રશિયા વિરુદ્ધ થયા હતા.
દરમિયાન, રશિયાની સ્ટેટ એજન્સી રોસસ્ટેટના લીક થયેલા અહેવાલને ટાંકીને જણાવાયું છે કે યુક્રેન સાથેના યુદ્ધમાં 4.50 લાખથી વધુ રશિયનો અને તે પણ મુખ્યત્વે સૈનિકોના મોત થયા છે. આ આંકડા ચાલુ વર્ષે ઓગસ્ટ સુધીના છે. જોકે આ આંકડા સત્તાવાર છે કે કેમ તે અંગે શંકા છે.