સત્ય. સાહસ. સંકલ્પ.

યુક્રેનનો રશિયા પર સૌથી મોટો ડ્રોન હુમલો, મોસ્કોમાં 2ના મોત, 20 ઘાયલ

યુક્રેનનો રશિયા પર સૌથી મોટો ડ્રોન હુમલો, મોસ્કોમાં 2ના મોત, 20 ઘાયલ

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં યુક્રેને રશિયા પર અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો કર્યો છે. રશિયામાં સંસદીય ચૂંટણીઓના અંતિમ તબક્કા દરમિયાન થયેલા આ હુમલામાં મોસ્કો સહિત અનેક વિસ્તારોમાં નુકસાન થયું છે. હુમલામાં બે રશિયન નાગરિકોના મોત થયા છે, જ્યારે 20 જેટલા લોકો ઘાયલ થયા છે.

મોસ્કોના મેયર સેરગેઈ સોબ્યાનિને જણાવ્યું કે યુક્રેને 1,600થી વધુ ડ્રોનનો ઉપયોગ કર્યો હતો, જેમાંથી લગભગ 450 ડ્રોન સીધા મોસ્કો તરફ આવી રહ્યા હતા. રશિયન એર ડિફેન્સે મોટાભાગના ડ્રોન હવામાં જ તોડી પાડ્યાનો દાવો કર્યો છે. જોકે, કેટલાક ડ્રોન લક્ષ્યાંક સુધી પહોંચી ગયા, જેના કારણે મોસ્કોની એક મોટી ઓઇલ રિફાઇનરી અને કેટલાક રહેણાંક મકાનોને ભારે નુકસાન થયું છે. મોસ્કો પ્રદેશના ગવર્નર આન્દ્રે વોરોબ્યોવના જણાવ્યા અનુસાર, મૃતકોમાં 74 વર્ષીય વૃદ્ધ પુરુષ અને 44 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે આ હુમલામાં યુક્રેનમાં બનેલા 'ફ્લેમિંગો' અને 'પેલિકન' જેવા આધુનિક ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમના મતે, આ હુમલાઓનો મુખ્ય ઉદ્દેશ રશિયાની ઓઇલ રિફાઇનરીઓ અને લોજિસ્ટિક્સ સુવિધાઓને નષ્ટ કરીને રશિયન યુદ્ધ મશીનને આર્થિક રીતે કમજોર કરવાનો છે.

બીજી તરફ, રશિયન સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે તેમની સેનાએ ક્રિમીઆ અને કાળા સમુદ્રના આકાશમાં ઉડતા ડ્રોન સહિત દેશભરમાં કુલ 1,100થી વધુ યુક્રેનિયન ડ્રોનને તોડી પાડ્યા છે. મોસ્કોના મેયરે આ હુમલાને 'અભૂતપૂર્વ' ગણાવ્યો અને તેને ચૂંટણી પ્રક્રિયાને ખોરવવાનો નિષ્ફળ પ્રયાસ ગણાવ્યો. આ દરમિયાન રશિયાએ પણ યુક્રેન પર હુમલા તેજ કર્યા છે. યુક્રેનિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર, કિવ પર રાત્રિ દરમિયાન થયેલા રશિયન હુમલામાં 3 બાળકો સહિત 4 લોકોના મોત થયા છે. થોડા દિવસો પહેલા કિવ નજીકના બુચા જિલ્લામાં રશિયાના હુમલામાં 37 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

નોંધનીય છે કે, રશિયામાં યુદ્ધ શરૂ થયા પછીની પ્રથમ સંસદીય ચૂંટણીઓ યોજાઈ રહી છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની કડક નીતિઓને કારણે આ ચૂંટણીઓમાં વિરોધ પક્ષની હાજરી લગભગ નહિવત્ છે. રશિયાએ યુક્રેનના જે ચાર પ્રદેશો પર કબજો કર્યો છે અને 2014માં જોડી દીધેલા ક્રિમીઆમાં પણ મતદાન કરાવ્યું છે. યુક્રેને આ વિસ્તારોમાં યોજાયેલી ચૂંટણીઓને ગેરકાયદેસર ગણાવી છે.