સત્ય. સાહસ. સંકલ્પ.

યુક્રેનમાં પોર્ન ઉદ્યોગ પર ટેક્સ લગાવી ડ્રોન ખરીદવાની યોજના

યુક્રેનમાં પોર્ન ઉદ્યોગ પર ટેક્સ લગાવી ડ્રોન ખરીદવાની યોજના

રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુક્રેન સરકાર દેશમાં ચાલી રહેલા એડલ્ટ કન્ટેન્ટના વ્યવસાયને કાયદેસર બનાવીને તેના પર ટેક્સ લગાવવાનું વિચારી રહી છે. આનાથી સરકારને દર વર્ષે લગભગ 236 કરોડ રૂપિયાની વધારાની આવક થઈ શકે છે, જેનો ઉપયોગ ડ્રોન ખરીદવા માટે થઈ શકે છે.

'ધ વોલ સ્ટ્રીટ જર્નલ'ના અહેવાલ મુજબ, યુક્રેનની સંસદે જુલાઈમાં આ બિલને પ્રથમ રીડિંગમાં મંજૂરી આપી દીધી છે. બિલની તરફેણમાં 231 સાંસદોએ મત આપ્યો હતો, જ્યારે 8 સાંસદોએ વિરોધ કર્યો હતો. હવે આ બિલ બીજી રીડિંગ માટે રજૂ થવાનું છે.

યુક્રેનમાં હાલમાં પોર્નોગ્રાફી સંપૂર્ણપણે ગેરકાનૂની છે. આવી સ્થિતિમાં, ઓન્લી ફેન્સ જેવા પ્લેટફોર્મ પર કામ કરતા ઘણા ક્રિએટર્સ તેમની કમાણી છુપાવે છે. 2023માં આશરે 8,000 યુક્રેનિયન ક્રિએટર્સે ઓન્લી ફેન્સ પરથી 13.1 કરોડ ડોલરથી વધુની કમાણી કરી હતી.

આ વ્યવસાયને કાયદેસર બનાવવા પાછળનો હેતુ માત્ર સરકારની આવક વધારવાનો નથી, પરંતુ ભ્રષ્ટાચાર અટકાવવાનો પણ છે. અધિકારીઓ પર આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો પાસેથી લાંચ લેવાના આરોપો સામે આવ્યા છે. કાયદેસર બનાવવાથી આવા કિસ્સાઓ ઘટાડી શકાય તેમ માનવામાં આવે છે.

એડલ્ટ કન્ટેન્ટ ક્રિએટર સ્વિતલાના દ્વોર્નિકોવાએ દાવો કર્યો છે કે તેઓ અત્યાર સુધીમાં લગભગ 8.5 કરોડ રૂપિયા ટેક્સ ચૂકવી ચૂક્યા છે. તેમણે આ મુદ્દે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની વેબસાઈટ પર અરજી પણ કરી હતી, જેને 25,000થી વધુ લોકોએ ટેકો આપ્યો હતો.

આ બિલ પુખ્ત વયના લોકો દ્વારા બનાવવામાં આવતી સામગ્રીને ગુનાના દાયરામાંથી બહાર રાખવાની દરખાસ્ત કરે છે, પરંતુ બાળકો સંબંધિત પોર્નોગ્રાફીને ગુનો જ રાખવાની વાત કરે છે.