સત્ય. સાહસ. સંકલ્પ.

યુક્રેન એડલ્ટ કન્ટેન્ટને કાયદેસર બનાવીને ડ્રોન માટે ભંડોળ એકત્ર કરવાની યોજના બનાવી રહ્યું છે

યુક્રેન એડલ્ટ કન્ટેન્ટને કાયદેસર બનાવીને ડ્રોન માટે ભંડોળ એકત્ર કરવાની યોજના બનાવી રહ્યું છે

રશિયા સામે ચાલી રહેલા યુદ્ધ માટે ભંડોળ એકત્ર કરવા યુક્રેન હવે એડલ્ટ કન્ટેન્ટ ઉદ્યોગને કાયદેસર બનાવવાનું વિચારી રહ્યું છે. સંસદના નાણાકીય સમિતિના અધ્યક્ષ અને સાંસદ યારોસ્લાવ ઝેલેઝનિયાકે આ માટે એક બિલ રજૂ કર્યું છે.

આ બિલ મુજબ, એડલ્ટ કન્ટેન્ટ ઉદ્યોગને કાયદેસર બનાવવાથી સરકારને વાર્ષિક લગભગ 25 મિલિયન ડૉલર ટેક્સ મળવાનો અંદાજ છે. આ આવકથી કરિયાણું સહિતની જરૂરિયાતો માટે લગભગ 30,000 ડ્રોન ખરીદવામાં મદદ મળશે.

હાલમાં યુક્રેનમાં એડલ્ટ કન્ટેન્ટ બનાવવું, રાખવું અથવા વિતરિત કરવું ગેરકાયદેસર છે અને તેના માટે સાત વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. જોકે, કડક કાયદા છતાં આ ઉદ્યોગ ગુપ્ત રીતે ચાલુ છે. ઘણા યુક્રેનિયનો OnlyFans જેવા પ્લેટફોર્મ પર કન્ટેન્ટ બનાવીને મોટી કમાણી કરે છે. એક આંકડા મુજબ, 2023માં 7,900 યુક્રેનિયનોએ OnlyFans પરથી 131 મિલિયન ડૉલરથી વધુ કમાણી કરી હતી.

સમસ્યા ત્યારે ઊભી થઈ જ્યારે ટેક્સ વિભાગે આ કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી ટેક્સ વસૂલવાનું શરૂ કર્યું. કાયદા મુજબ આ કામ ગેરકાયદેસર હોવાથી કોઈ પણ ક્રિએટર પોતાની કમાણી જાહેર કરી શકે તેમ નહોતું. ટેક્સ ભરે તો ગેરકાયદેસર કામની કબૂલાત થાય, અને ન ભરે તો ટેક્સ ચોરી ગણાય. આ દ્વિધા વચ્ચે પોલીસ અધિકારીઓએ ક્રિએટર્સ પાસેથી લાંચ માંગવાના આરોપો પણ સામે આવ્યા છે.

આવા જ એક કિસ્સામાં OnlyFans ક્રિએટર સ્વિતલાના ડ્વોર્નિકોવાના ઘરે પોલીસે દરોડો પાડીને 20,000 ડૉલર જપ્ત કર્યા હતા. પોલીસે કેસ દબાવવા માટે લાંચ માંગી હતી, જે સ્વિતલાનાએ નકારી કાઢી. આવા ઘણા કિસ્સાઓ બાદ કેટલાક ક્રિએટર્સ યુક્રેન છોડીને અન્ય યુરોપિયન દેશોમાં જતા રહ્યા છે.

આ પ્રસ્તાવ પર રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી વિચારણા કરવાની ખાતરી આપી છે. જો આ બિલ પસાર થાય તો યુદ્ધના સમયમાં યુક્રેનને વધારાની આવકનો સ્ત્રોત મળશે, પરંતુ તે સામાજિક અને નૈતિક દૃષ્ટિએ ચર્ચા પણ ઊભી કરી શકે છે.