યુનાઇટેડ કિંગડમ (UK)ના 300થી વધુ વર્ષ જૂના યુનિયનને હાલમાં સૌથી મોટું બંધારણીય સંકટ છે. સ્કોટલેન્ડ, વેલ્સ અને ઉત્તરી આયર્લેન્ડની પ્રાંતીય સરકારોના વડાઓએ લંડનની વેસ્ટમિન્સ્ટર સરકાર સામે સીધી લડત શરૂ કરી છે. વેલ્સના પાટનગર કાર્ડિફમાં સેન્ટ ડેવિડ્સ હોટેલ અને 'સેનેડ'માં એક અભૂતપૂર્વ પરિષદ યોજાઈ રહી છે, જેમાં ત્રણેય નેતાઓ એક ઐતિહાસિક સંયુક્ત ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરી રહ્યા છે. આ દસ્તાવેજનો મુખ્ય ઉદ્દેશ્ય પોતાના વિસ્તારોમાં આઝાદી માટે લોકમત યોજવાના અધિકાર પરથી લંડનનો વીટો દૂર કરવાનો છે.
યુકેના રાજકીય ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે ત્રણેય બિન-અંગ્રેજ પ્રદેશોમાં અલગતાવાદી અથવા રાષ્ટ્રવાદી પક્ષો સત્તામાં છે. સ્કોટલેન્ડમાં ફર્સ્ટ મિનિસ્ટર જોન સ્વિનીના નેતૃત્વ હેઠળ સ્કોટિશ નેશનલ પાર્ટી શાસન કરે છે. સ્વિનીએ ચેતવણી આપી છે કે લંડનની કેન્દ્રીય વ્યવસ્થા નિષ્ફળ ગઈ છે અને બ્રિટિશ વડાપ્રધાન એન્ડી બર્નહામને સ્વીકારવું પડશે કે ઇતિહાસ તેમને યુકેના 'અંતિમ વડાપ્રધાન' તરીકે યાદ રાખશે. વેલ્સમાં રૂન એપ્પ લોવર્થના નેતૃત્વ હેઠળ પ્લાઇડ કિમરૂ પક્ષ વેલ્સની સ્વાયત્તતા અને આઝાદી માટે વધુ આક્રમક બન્યો છે. ઉત્તરી આયર્લેન્ડમાં ફર્સ્ટ મિનિસ્ટર મિશેલ ઓ'નીલ અને આયર્લેન્ડ ગણરાજ્યના વિરોધ પક્ષના નેતા મેરી લૂ મેકડોનાલ્ડ આયર્લેન્ડના પુનઃ એકીકરણની માંગને વેગ આપી રહ્યા છે.
આ અલગતાવાદી ચળવળ અચાનક શરૂ નથી થઈ. તેની પાછળ વર્ષો જૂના આર્થિક અને રાજકીય કારણો છે. 2016ના બ્રેક્ઝિટ જનમતમાં સ્કોટલેન્ડ અને ઉત્તરી આયર્લેન્ડના બહુમતી મતદારોએ યુરોપિયન યુનિયનમાં રહેવાની તરફેણ કરી હતી, પરંતુ ઇંગ્લેન્ડના બહુમતને કારણે તેમને બળજબરીપૂર્વક EUની બહાર ધકેલી દેવાયા. આનાથી આ પ્રદેશોમાં લંડન સામે ભારે અસંતોષ ફેલાયો. 2014માં સ્કોટલેન્ડમાં યોજાયેલા પ્રથમ રેફરેન્ડમમાં 55% વિરુદ્ધ 45%થી આઝાદીનો પ્રસ્તાવ હારી ગયો હતો, પરંતુ બદલાયેલા સંજોગોમાં સ્કોટિશ સરકાર બીજી તક માંગી રહી છે, જેને બ્રિટનની સુપ્રીમ કોર્ટ અને વેસ્ટમિન્સ્ટરે અટકાવી રાખી છે. ગુડ ફ્રાઇડે એગ્રીમેન્ટ હેઠળ ઉત્તરી આયર્લેન્ડને કાયદેસર અધિકાર છે કે જો બહુમતી જનતા ઇચ્છે તો બોર્ડર પોલ દ્વારા તે આયર્લેન્ડ ગણરાજ્ય સાથે જોડાઈ શકે.
બ્રિટનના વડાપ્રધાન એન્ડી બર્નહામ આ આંતરિક સંકટથી ભારે દબાણમાં છે. તેમણે અગાઉ સંસદમાં સ્વીકાર્યું હતું કે જો સ્કોટલેન્ડની જનતામાં અલગ થવા અંગે સ્પષ્ટ લોકમત દેખાશે, તો લોકશાહી ઢબે તેઓ રેફરેન્ડમનો અધિકાર નકારી શકશે નહીં. બીજી તરફ, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ડબલિન પ્રવાસ દરમિયાન ખુલ્લેઆમ કહ્યું કે 'ઉત્તરી આયર્લેન્ડ આઇરિશ રિપબ્લિક સાથે ભળી જાય તે ખૂબ સરસ બાબત હશે.' આ વૈશ્વિક સમર્થને આયરિશ રાષ્ટ્રવાદીઓમાં નવો ઉત્સાહ ભર્યો છે.
કાર્ડિફ પરિષદ બાદ જો ત્રણેય પ્રદેશો સંયુક્ત રીતે લંડન સરકાર સામે અસહકાર કે સમાંતર કાનૂની લડત શરૂ કરશે, તો આગામી વર્ષોમાં 'યુનાઇટેડ કિંગડમ' ભૌગોલિક અને રાજકીય રીતે વિખેરાઈ જવાની શક્યતાઓ વધુ પ્રબળ બનશે.