યુનાઇટેડ કિંગડમ (યુકે)માંથી સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધન આયર્લેન્ડ અલગ થવાની ચર્ચા ફરી એકવાર ગરમ બની છે. તાજેતરમાં વેલ્સના કાર્ડિફ શહેરમાં 13 અને 14 સપ્ટેમ્બરે એક મહત્વની બેઠક મળી. આ બેઠકમાં સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર જ્હોન સ્વિની, વેલ્સના ફર્સ્ટ મિનિસ્ટર રૂન એપ યોરવર્થ, નોર્ધન આયર્લેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર મિશેલ ઓ'નીલ અને આયરલેન્ડની રાષ્ટ્રવાદી પાર્ટી સિન ફેઈનના પ્રમુખ મેરી લૂ મેકડોનાલ્ડ હાજર રહ્યા. આ બેઠકમાં લંડનથી આઝાદી મેળવવાની વ્યૂહરચના પર ચર્ચા થઈ હોવાનું મનાય છે.
અત્યારે વેલ્સ, નોર્ધન આયર્લેન્ડ અને સ્કોટલેન્ડમાં રાષ્ટ્રવાદી સરકારો સત્તામાં છે. આ સરકારો ઈંગ્લેન્ડના પ્રભુત્વથી કંટાળી ગઈ છે. સ્કોટલેન્ડમાં આઝાદીની માંગ કરતા લોકોનું પ્રમાણ 50 ટકાની આસપાસ પહોંચી ગયું છે. વેલ્સમાં 27 વર્ષ પછી રાષ્ટ્રવાદી સરકાર સત્તામાં આવી છે. નોર્ધન આયર્લેન્ડ પોતાના પડોશી દેશ રિપબ્લિક ઓફ આયરલેન્ડ સાથે જોડાવા માંગે છે.
આ વિભાજનની ચર્ચા પાછળ 2020ની બ્રેક્ઝિટ ઘટના છે. બ્રિટને યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો, જે સ્કોટલેન્ડ અને નોર્ધન આયર્લેન્ડની ઈચ્છા વિરુદ્ધ હતો. બ્રેક્ઝિટ પછી લંડન સરકારે આ પ્રદેશોને આપેલી શક્તિઓ પાછી ખેંચવા માંડી, જેથી તેમને લાગ્યું કે તેમના અસ્તિત્વ પર હુમલો થઈ રહ્યો છે. આથી લંડન સામે ત્રણ મોરચા ખૂલી ગયા છે.
જો યુકેના ભાગલા થાય તો તેની અસર ભારત અને વિશ્વ પર પણ પડશે. યુકે પરમાણુ શસ્ત્રો ધરાવે છે અને યુએનમાં વીટો પાવર ધરાવે છે. ભારતીય કંપનીઓએ યુકેમાં અંદાજે 20 બિલિયન ડોલર (લગભગ 1.66 લાખ કરોડ રૂપિયા)નું રોકાણ કર્યું છે. ભાગલા થાય તો આ રોકાણ અને હજારો ભારતીયોની નોકરીઓ પર અસર પડી શકે છે.
કાયદાકીય રીતે આ પ્રદેશો માટે અલગ થવું સરળ નથી. સ્કોટલેન્ડ પાસે પોતાનું બંધારણ નથી અને તે બ્રિટનના બંધારણથી બંધાયેલું છે. નોર્ધન આયર્લેન્ડ પાસે અલગ નીતિ-નિયમો છે. આથી આઝાદીનો રસ્તો કેટલો સરળ છે તે સમય જ કહેશે.