કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે નાણાકીય વર્ષ 2026-27માં પણ ઘરેલુ LPG સિલિન્ડર પર 300 રૂપિયાની સબસિડી ચાલુ રાખવાની મંજૂરી આપી છે. આ નિર્ણય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ તેમના સત્તાવાર સોશિયલ મીડિયા પોસ્ટમાં જાહેર કર્યો છે.
પોસ્ટમાં જણાવ્યા મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ મંજૂરી આપવામાં આવી. જે લાભાર્થીઓ ઉજ્જવલા યોજના હેઠળ પાત્ર છે, તેમને 14.2 કિલોગ્રામના ઘરેલુ LPG સિલિન્ડર દીઠ 300 રૂપિયાની લક્ષિત સબસિડી મળતી રહેશે.
તેમજ 5 કિલોગ્રામના સિલિન્ડર પર પણ પ્રમાણસર સબસિડી આપવામાં આવશે. એટલે કે નાના સિલિન્ડર લેનારા લાભાર્થીઓને પણ આ સબસિડીનો લાભ મળશે.
ઉલ્લેખનીય છે કે દેશમાં મોટી સંખ્યામાં લોકો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ લઈ રહ્યા છે. આ યોજના હેઠળ ગરીબ પરિવારોને ઘરેલુ રસોઈ ગેસના જોડાણ અને સબસિડી આપવામાં આવે છે. સરકારનો આ નિર્ણય યોજનાના લાભાર્થીઓને રાહત આપે તેવો છે.