સત્ય. સાહસ. સંકલ્પ.

ઉજ્જૈનમાં મંદિર તૂટ્યું, હનુમાનજીની મૂર્તિ અડીખમ: ભક્તો ચમત્કાર માને છે, તંત્ર કહે છે પ્રયાસ નથી કર્યો

ઉજ્જૈનમાં મંદિર તૂટ્યું, હનુમાનજીની મૂર્તિ અડીખમ: ભક્તો ચમત્કાર માને છે, તંત્ર કહે છે પ્રયાસ નથી કર્યો

ઉજ્જૈન: મહાકાલની નગરી ઉજ્જૈનમાં 2028માં યોજાનારા સિંહસ્થ કુંભમેળાની તૈયારી અંતર્ગત રોડ વિસ્તરણ માટે એક મંદિર તોડી પાડવામાં આવ્યું છે. જોકે, મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન ખડે હનુમાનજીની મૂર્તિ ભારે મશીનરી વડે પણ એક ઇંચ ખસી નથી. મંદિરના પૂજારી અને ભક્તોના દાવા પ્રમાણે, મૂર્તિ હટાવવાના ચાર પ્રયાસો નિષ્ફળ ગયા બાદ તંત્રે ભારે મશીનરીનો ઉપયોગ બંધ કરી દીધો છે.

ઘટનાસ્થળે આખું મંદિર તોડી પાડવામાં આવ્યું, પરંતુ મૂર્તિ પોતાની જગ્યાએ જ અડીખમ ઊભી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, અર્થમુવર્સ અને ભારે મશીનો વડે મૂર્તિ ખસેડવાના સતત પ્રયાસો થયા, પણ મશીનોની તાકાત પણ તેને જમીન પરથી હલાવી શકી નહીં. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભક્તો તેને દૈવી ચમત્કાર ગણાવી રહ્યા છે.

ઘટનાસ્થળ નજીક અચાનક વાનરોનું મોટું ટોળું એકઠું થઈ જવાની ઘટનાએ મામલાને વધુ ચર્ચિત બનાવ્યો છે. મંદિરના પૂજારી મહેશ બૈરાગીએ જણાવ્યું કે, 'બાબા આપણને દરરોજ સંકેત આપી રહ્યા છે કે તેઓ અહીં જ રહેવા માંગે છે. મારી તંત્રને નમ્ર વિનંતી છે કે આ સંકેતોને સમજે. જો મૂર્તિ હટાવવી જ પડે તો પણ હું ઈચ્છું છું કે પ્રભુની મૂર્તિને અત્યારે જે સ્થિતિમાં છે તે જ રીતે સુરક્ષિતપણે સ્થાનાંતરિત કરવામાં આવે.'

બીજી તરફ, ઉજ્જૈનના SDM ગર્ગે સ્પષ્ટતા કરી છે કે, તંત્ર દ્વારા લોકોની આસ્થા અને ભાવનાઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે, 'સોશિયલ મીડિયામાં દાવો કરાઈ રહ્યો છે કે તંત્રએ મૂર્તિ હટાવવા પ્રયાસ કર્યા છે, પણ અમે અત્યાર સુધી મૂર્તિ હટાવવા કોઈ પ્રયાસ નથી કર્યો. વૈજ્ઞાનિકોની સલાહ લીધા બાદ જ મૂર્તિ વિસ્થાપિત કરવાની કાર્યવાહી કરવામાં આવશે.'

સ્થાનિક અહેવાલો મુજબ, હવે મૂર્તિના પાયા અને તેની આસપાસના સ્ટ્રક્ચરનું આધુનિક સાધનોથી સ્કેનિંગ કરવાનો નિર્ણય લેવાયો છે, જેથી સમજી શકાય કે મૂર્તિ જમીન સાથે કઈ રીતે જોડાયેલી છે. હાલ પૂરતું, આ ઐતિહાસિક મૂર્તિને ખુલ્લા આકાશ નીચે વાતાવરણથી બચાવવા માટે તેના પર કામચલાઉ કેનોપી ગોઠવી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, દર 12 વર્ષે યોજાતો સિંહસ્થ કુંભમેળો 2028માં ઉજ્જૈનમાં યોજાનાર છે, જ્યાં કરોડો શ્રદ્ધાળુઓ ક્ષિપ્રા નદીમાં પવિત્ર સ્નાન કરવા આવે છે. તેની તૈયારીઓ અંતર્ગત શહેરમાં રોડ વિસ્તરણ સહિતના વિકાસ કામો હાથ ધરાયા છે.