આજના ડિજિટલ યુગમાં આધાર કાર્ડ આપણી ઓળખનું સૌથી મહત્ત્વનું દસ્તાવેજ બની ગયું છે. નવું બેંક ખાતું ખોલાવવું હોય, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું હોય કે નવું સિમ કાર્ડ લેવું હોય, દરેક જગ્યાએ KYC પૂરી કરવા માટે આધાર ફરજિયાત માંગવામાં આવે છે.
આટલા બધા ઉપયોગને કારણે લોકોના મનમાં એક ડર રહે છે: શું આધાર બેંક સાથે લિંક હોવાથી UIDAI આપણું બેંક બેલેન્સ કે નાણાકીય વ્યવહારો પર નજર રાખે છે? શું માત્ર આધાર નંબરથી બેંક ખાતું ખાલી થઈ શકે? તાજેતરમાં UIDAIએ આ અફવાઓનું ખંડન કર્યું છે અને સ્પષ્ટ કર્યું છે કે આધાર માત્ર ઓળખ પુરવાર કરવા માટે જ છે, નાણાકીય જાસૂસી માટે નહીં.
UIDAI પાસે તમારી કઈ માહિતી હોય છે? સત્તાવાર માહિતી મુજબ, આધાર બનાવતી કે અપડેટ કરતી વખતે UIDAI ફક્ત મર્યાદિત માહિતી એકઠી કરે છે. જેમાં તમારું પૂરું નામ, જન્મતારીખ, જાતિ, સરનામું, ફોટો, ફિંગરપ્રિન્ટ અને આંખની કીકી (આઇરિસ)નો સમાવેશ થાય છે. ઈમેલ અને મોબાઈલ નંબર આપવો વૈકલ્પિક છે. UIDAI પાસે તમારા બેંક બેલેન્સ, શેરબજારના રોકાણ, મ્યુચ્યુઅલ ફંડ, જમીન-મિલકત, વીમા પોલિસી કે મેડિકલ રેકોર્ડની કોઈ માહિતી હોતી નથી.
બેંક સાથે આધાર લિંક કરતી વખતે શું થાય છે? જ્યારે તમે બેંકમાં આધાર નંબર આપીને ઓળખ ચકાસો છો, ત્યારે બેંક UIDAIના સર્વર પર ઓથેન્ટિકેશન રિક્વેસ્ટ મોકલે છે. જવાબમાં UIDAI ફક્ત એટલું જ પુષ્ટિ કરે છે કે આપેલી બાયોમેટ્રિક કે OTP માહિતી સાચી છે કે ખોટી (હા અથવા ના). e-KYCમાં ચકાસણી સફળ થાય તો સરકારના કડક નિયમો હેઠળ ફક્ત નામ, સરનામું અને ફોટો જેવી સામાન્ય માહિતી જ શેર થાય છે. UIDAIને તમારા ખાતામાં કેટલા રૂપિયા છે, ડીમેટ એકાઉન્ટ ક્યાં છે કે મિલકત કેટલી છે તે જાણવાનો કોઈ અધિકાર કે ટેકનિકલ એક્સેસ મળતો નથી. આ પ્રક્રિયા સંપૂર્ણપણે વન-વે અને સુરક્ષિત છે.
શું માત્ર આધાર નંબરથી બેંક ખાતું ખાલી થઈ શકે? સોશિયલ મીડિયા પર ઘણીવાર એવી અફવા ઉડે છે કે અજાણી વ્યક્તિને તમારો 12 આંકડાનો આધાર નંબર મળી જાય તો તે તમારું ખાતું પળવારમાં ખાલી કરી શકે છે. પરંતુ આ વાતમાં કોઈ સચ્ચાઈ નથી. UIDAIએ સ્પષ્ટ કર્યું છે કે માત્ર આધાર નંબર જાણવાથી કોઈને બેંક ખાતાનો એક્સેસ મળતો નથી કે પૈસા ઉપાડી શકાતા નથી. કોઈપણ બેંકિંગ વ્યવહાર માટે ગુપ્ત PIN, પાસવર્ડ, રજિસ્ટર્ડ મોબાઈલ પર આવતો OTP અથવા ફિંગરપ્રિન્ટ (બાયોમેટ્રિક મેચિંગ) ફરજિયાત જરૂરી છે. તેથી આધાર નંબર ખબર પડી જવાથી ગભરાવાની જરૂર નથી.
UIDAIએ ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે આધારનો ઉપયોગ ફક્ત ઓળખ પુરવાર કરવા માટે થાય છે. UIDAI પાસે બેંક બેલેન્સ કે નાણાકીય લેવડદેવડની માહિતી હોતી નથી. જ્યારે તમે બેંકમાં આધાર લિંક કરાવો છો ત્યારે UIDAI ફક્ત ઓળખ સાચી છે કે ખોટી તેની પુષ્ટિ કરે છે, બેંક ખાતાની વિગતો કે નાણાકીય વ્યવહારોની માહિતી મેળવતી નથી. માત્ર આધાર નંબર જાણવાથી કોઈ ખાતું ખાલી કરી શકતું નથી; વ્યવહાર માટે PIN, પાસવર્ડ, OTP કે ફિંગરપ્રિન્ટ જરૂરી છે.