અમદાવાદ ગ્રામ્ય કોર્ટે કણભા વિસ્તારમાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL)ની બેદરકારીને કારણે 35 વર્ષીય વેપારીના મૃત્યુના કેસમાં મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે મૃતકની પત્નીને બે મહિનામાં ₹12,07,500નું વળતર ચૂકવવા UGVCLને આદેશ કર્યો છે.
કણભાના ચીનુભાઈ પાર્ક ખાતે રહેતા રામવિલાસ નિસાદ છેલ્લા પાંચ વર્ષથી 'પરી પલક ચાર્ટ સેન્ટર' નામે ફાસ્ટ ફૂડનો ધંધો કરતા હતા. 15 ડિસેમ્બર 2019ની સાંજે તેઓ પોતાની કેબિન પાસે હતા. તે સમયે ભારે પવન આવતો હોવાથી તેઓ કેબિન બચાવવા માટે પ્લાસ્ટિકનું તાડપત્રી બાંધવા દોરી ઉપર નાખી રહ્યા હતા. એ દરમિયાન ત્યાંથી પસાર થતા વીજ કંપનીના છૂટા અને લબડતા વાયરોનો સંપર્ક થતાં તીવ્ર કરંટ લાગ્યો અને રામવિલાસનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
ઘટના બાદ UGVCLના કણભા સબ-સ્ટેશનના કર્મચારીઓએ સ્થળ તપાસ કરી જરૂરી દસ્તાવેજો મેળવ્યા અને વળતર આપવાની ખાતરી આપી હતી. 16 જૂન 2020ના રોજ પત્ર લખીને ₹300ના સ્ટેમ્પ પેપર પર બાંહેધરી પણ આપવામાં આવી હતી. જોકે, 45 દિવસથી વધુ સમય વીતી ગયો અને વારંવારની રજૂઆતો છતાં કંપનીએ વળતર ચૂકવ્યું નહીં. આખરે મૃતકની પત્ની નિલમદેવી નિસાદે એડવોકેટ મારફતે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ₹20 લાખના વળતરનો દાવો દાખલ કર્યો હતો.
અમદાવાદ ગ્રામ્ય કોર્ટના સિવિલ જજ એન. પી. પટેલે બંને પક્ષોની દલીલો અને રેકોર્ડ પરના પુરાવાઓ ધ્યાને લઈને અવલોકન કર્યું કે વાદી દ્વારા રજૂ કરાયેલા ઇન્કમટેક્સ રિટર્ન (ITR) મુજબ મૃતકની વાર્ષિક આવક ₹3 લાખથી વધુ હોવાનું સાબિત થાય છે. જો અકસ્માત ન થયો હોત તો તેઓ પત્ની અને બે સગીર પુત્રીઓના જીવનનો મુખ્ય આધાર બની રહ્યા હોત. વર્તમાન મોંઘવારી, પરિવારની ભવિષ્યની જરૂરિયાતો, ગુમાવેલી માસિક આવક અને સામાજિક નુકસાનને ધ્યાનમાં રાખીને ન્યાયના હિતમાં આ વળતર ચૂકવવાનો આદેશ કરવામાં આવે છે.