સત્ય. સાહસ. સંકલ્પ.

UGCના નવા નિયમો પર કેન્દ્રનો યુ-ટર્ન: સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ કમિટીના રચનાની જાહેરાત

UGCના નવા નિયમો પર કેન્દ્રનો યુ-ટર્ન: સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ કમિટીના રચનાની જાહેરાત

ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતા જાળવવા અને ભેદભાવ રોકવા માટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા લાવવામાં આવેલા નવા નિયમો પર કેન્દ્ર સરકારે મહત્ત્વનું પગલું લીધું છે. સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે UGCના વર્ષ 2026ના નવા નિયમોની સમીક્ષા અને પુનર્વિચાર માટે વિશેષ સમિતિની રચના કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે જાન્યુઆરી મહિનામાં આ વિવાદાસ્પદ નિયમોના અમલ પર વચગાળાનો સ્ટે મૂક્યો હતો. ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી થઈ હતી. ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહનની અધ્યક્ષતાવાળી બેન્ચ સમક્ષ કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતા હાજર રહ્યા હતા.

તેમણે કોર્ટને જણાવ્યું કે સરકાર તમામ વિદ્યાર્થીઓની ચિંતાઓ દૂર કરવા માંગે છે. કોઈ પણ વર્ગના વિદ્યાર્થી સાથે અન્યાય ન થાય અને કોઈ પણ જૂથ પોતાને અસુરક્ષિત ન અનુભવે તે માટે તમામ પાસાંઓની તપાસ કરવા સ્પેશિયલ કમિટી બનાવવામાં આવી રહી છે.

સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે જણાવ્યું કે કોઈપણ નિયમ કે નીતિ ઘડતી વખતે તમામ વર્ગના વિદ્યાર્થીઓના હિતોનું ધ્યાન રાખવું જરૂરી છે. યુવા પેઢીની ચિંતાઓ અને તેમનું કલ્યાણ સૌથી મહત્ત્વનું છે. બેન્ચે ભાર મૂક્યો કે દેશની ભાવિ પેઢીનું રક્ષણ થાય તે રીતે મજબૂત પગલાં લેવા જોઈએ જેથી કોઈપણ સમુદાય અલગ કે ભયભીત ન અનુભવે.

વિવાદની પૃષ્ઠભૂમિ એ છે કે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં જાતિગત ભેદભાવ રોકવા માટે UGCએ નવા નિયમો લાવ્યા હતા, જેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યા હતા. જાન્યુઆરીમાં સુનાવણી દરમિયાન કોર્ટે નોંધ્યું હતું કે પ્રથમ નજરે આ નિયમોની કેટલીક જોગવાઈઓ અસ્પષ્ટ છે અને તેનો દુરુપયોગ થઈ શકે છે. તેથી કોર્ટે નવા નિયમો પર રોક લગાવીને કેન્દ્ર સરકાર અને UGCને નોટિસ પાઠવી હતી અને ત્યાં સુધી 2012ના જૂના નિયમો જ અમલમાં રાખવાનો આદેશ આપ્યો હતો. અગાઉની સુનાવણીમાં પણ સોલિસિટર જનરલે જણાવ્યું હતું કે UGC આ મામલે પુનર્વિચારણ કરી રહ્યું છે. હવે સરકારે સ્પેશિયલ કમિટીની રચનાની સત્તાવાર જાહેરાત કોર્ટ સમક્ષ કરી છે.