કર્ણાટકના ઉડુપી જિલ્લામાં બુધવારે રાત્રે એક મહિલાએ અંગત કારણોસર કુમારધારા નદીમાં આત્મહત્યા કરવાના ઇરાદે છલાંગ લગાવી હતી. પરંતુ નદીમાં રહેલા મગરે તેના પર હુમલો કરતાં તે બૂમો પાડવા લાગી. તેની બૂમો સાંભળીને પોલીસ અને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તેને બચાવી લીધી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના કુક્કે સુબ્રહ્મણ્યમાં કુમારધારા પુલ પાસે બની હતી. મહિલા અંગત સમસ્યાથી પરેશાન હતી અને તેણે આત્મહત્યાના ઇરાદે નદીમાં છલાંગ લગાવી હતી. તે સમયે મગરે તેના પર હુમલો કર્યો હતો, જેમાં તેને સામાન્ય ઇજાઓ થઈ હતી.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મહિલા મદદ માટે બૂમો પાડતી હતી. ત્યારે એક કર્મચારીએ તેની બૂમાબૂમ સાંભળી અને સુબ્રહ્મણ્ય પોલીસને જાણ કરી હતી. પોલીસકર્મીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને સ્થાનિક લોકોની મદદથી મહિલાને બહાર કાઢી સુરક્ષિત સ્થળે ખસેડી હતી.
ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. પોલીસે મહિલાના પરિવારજનોને જાણ કરી હતી અને કાઉન્સેલિંગ બાદ તેને પરિવાર સાથે ઘરે મોકલી દેવામાં આવી હતી. આ મામલે કોઈ ફરિયાદ નોંધાઈ નથી.