સુરતના ઉધના રેલવે સ્ટેશન પર પશ્ચિમ રેલવે દ્વારા તેનો સૌથી મોટો યાત્રી હોલ્ડિંગ એરિયા શરૂ કરવામાં આવ્યો છે. આ વિસ્તાર અડધો કિલોમીટર લાંબો અને 36 મીટર પહોળો છે, જેમાં એક સાથે 15,000 મુસાફરો બેસી શકે છે.
ઉધના સ્ટેશનના પૂર્વ ભાગમાં બનેલી આ સુવિધા તહેવારો દરમિયાન વધતી ભીડને સંભાળવા માટે તૈયાર કરાઈ છે. પશ્ચિમ રેલવેનું આ સૌથી મોટું હોલ્ડિંગ સેન્ટર છે.
મુસાફરોની સુવિધા માટે પરિસરને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું છે: પ્રિ-ટિકિટિંગ, ટિકિટિંગ અને પોસ્ટ-ટિકિટિંગ. અહીં 10 ટિકિટ વિન્ડો, સ્નાન અને શૌચાલય બ્લોક, પીવાનું શુદ્ધ પાણી તેમજ વિશાળ વાહન પાર્કિંગની વ્યવસ્થા છે.
સુરક્ષા અને ભીડ વ્યવસ્થાપન માટે અહીં એક વોર રૂમ પણ કાર્યરત છે. તેમાં 70 સીસીટીવી કેમેરા અને 250થી વધુ સ્પીકર દ્વારા ભીડ પર રિયલ ટાઈમ નજર રાખવામાં આવે છે.
આ સુવિધાને કારણે ઉધના સ્ટેશન પરથી આવતા-જતા હજારો મુસાફરોને યાત્રા દરમિયાન સારી સુવિધા મળશે અને ભીડ પણ વ્યવસ્થિત રીતે સંચાલિત થઈ શકશે.