સત્ય. સાહસ. સંકલ્પ.

ઉધમપુરમાં બસ ખીણમાં ખાબકી, 18 મુસાફરો ઈજાગ્રસ્ત

ઉધમપુરમાં બસ ખીણમાં ખાબકી, 18 મુસાફરો ઈજાગ્રસ્ત

જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. ઉધમપુરથી ધંદલ તરફ જઈ રહેલી મુસાફરો ભરેલી મિની બસ જોનૂ નજીક ચાલકે કાબૂ ગુમાવતાં રસ્તા પરથી લપસીને ઊંડી ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં કુલ 18 મુસાફરો ઘાયલ થયા છે.

અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું. રાહત અને બચાવ કામગીરી હાથ ધરીને તાત્કાલિક ઘટનાસ્થળે એમ્બ્યુલન્સ રવાના કરવામાં આવી હતી. તમામ 18 ઈજાગ્રસ્ત મુસાફરોને સમયસર બહાર કાઢીને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા.

ઉધમપુરના ડેપ્યુટી કમિશનર અનંત દ્વિવેદીએ ઘટના અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે અકસ્માતની માહિતી મળતાં જ તાત્કાલિક એમ્બ્યુલન્સ મોકલી મુસાફરોને હોસ્પિટલ ખસેડાયા હતા. હોસ્પિટલ પહોંચ્યા બાદ તમામ દર્દીઓને સમયસર જરૂરી તબીબી સારવાર મળી રહી છે. હાલ તમામ 18 ઘાયલો સારવાર હેઠળ છે અને તેમાંથી કોઈની પણ સ્થિતિ ગંભીર નથી. તબીબોની ટીમ તમામ દર્દીઓ પર સતત નજર રાખીને તેમની તપાસ કરી રહી છે.

ડેપ્યુટી કમિશનરે વધુમાં સ્પષ્ટ કર્યું કે આ અકસ્માત કયા કારણોસર સર્જાયો તે અંગે સંબંધિત પાસાંઓની વિગતવાર તપાસ કરવામાં આવશે અને નિયમોનુસાર યોગ્ય કાર્યવાહી થશે. આગામી સમયમાં આ ઘટના અંગે વધુ વિગતો સામે આવતાં અપડેટ આપવામાં આવશે.