સમાન નાગરિક સંહિતા (UCC) ને લઈને NDA ગઠબંધનની અંદર મતભેદ ઊભા થયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુંબઈમાં એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે 2029 પહેલાં NDA શાસિત તમામ 21 રાજ્યોમાં UCC લાગુ કરવામાં આવશે. આ નિવેદન બાદ ભાજપના મહત્ત્વના સહયોગી પક્ષ જનતા દળ યુનાઇટેડ (JDU)એ તેની અસંતોષ વ્યક્ત કરી છે.
JDUનું કહેવું છે કે આટલા સંવેદનશીલ મુદ્દે તમામ પક્ષો અને સમુદાયો સાથે વ્યાપક ચર્ચા-વિચારણા થવી જરૂરી છે. પાર્ટીના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ સંજય ઝાએ ટૂંક સમયમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાતનો સમય માંગ્યો છે. પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ રંજને આ વાતની પુષ્ટિ કરી છે કે સંજય ઝા આ મુદ્દે ગૃહમંત્રી સમક્ષ JDUની ચિંતાઓ રજૂ કરશે.
JDUએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ UCC અંગેની ચર્ચાના વિરોધમાં નથી, પરંતુ યોગ્ય વિચાર-વિમર્શ વિના તેને સીધું લાગુ કરવા સામે તેમને વાંધો છે.
પટનામાં JDU નેતા નીરજ કુમારે જણાવ્યું હતું કે UCC અંગે પક્ષનું વલણ પહેલેથી સ્પષ્ટ છે. જ્યારે નીતીશ કુમાર બિહારના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે આ મુદ્દે કાયદા પંચને પત્ર લખ્યો હતો અને તે પત્ર આજે પણ પાર્ટી માટે માર્ગદર્શક છે. તેમણે કહ્યું કે ડૉ. બાબાસાહેબ આંબેડકરે તમામને અધિકાર આપ્યા છે અને UCCના કારણે દેશના કોઈપણ સમુદાયની લાગણી દુભાવી ન જોઈએ.
પાર્ટીના નેતા શ્યામ રજકે નીતીશ કુમારના જૂના વલણને દોહરાવતાં કહ્યું કે તેમણે અગાઉ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ બિલના સમર્થનમાં છે, પરંતુ પોતાના રાજ્યમાં તેને લાગુ થવા દેશે નહીં. પાર્ટી આજે પણ તે જ વલણ પર અડગ છે. આ ઉપરાંત ઝારખંડના મંત્રી સંજય પ્રસાદ યાદવે જણાવ્યું છે કે રાજકારણમાં કોઈપણ બાબતે ઉતાવળ કરવાની જરૂર નથી; સરકાર દરેક પાસાં પર નજર રાખી રહી છે અને પૂરા અભ્યાસ બાદ જ નિર્ણય લેવાશે.
બીજી તરફ, અમિત શાહના નિવેદન સામે વિપક્ષી કોંગ્રેસે પણ પ્રહારો કર્યા છે. કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ આરોપ લગાવ્યો કે ભાજપ છેલ્લા 12 વર્ષથી મુસ્લિમો વિરોધી નિર્ણયો લઈ રહી છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે શું UCC લાગુ થવાથી દેશની આર્થિક સ્થિતિ સુધરશે, બેરોજગારી દૂર થશે કે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે? તેમણે કહ્યું કે હાલમાં હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તીઓ માટે અલગ પર્સનલ લો છે અને 21 રાજ્યોમાં UCC લાગુ કરવાની વાત પર પણ સવાલ ઉઠાવ્યો કે ભાજપનું ધ્યાન દેશના મૂળ પ્રશ્નો પર નથી.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી કેન્દ્ર સરકાર દ્વારા UCC અંગે કોઈ સત્તાવાર ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો નથી કે કોઈ રાજ્યએ આ મુદ્દે નિર્ણય લીધો નથી. UCC હેઠળ લગ્ન, છૂટાછેડા, વારસો અને દત્તક લેવા જેવા વ્યક્તિગત કાયદાઓ દેશના તમામ નાગરિકો માટે સમાન બનાવવાની વાત કરવામાં આવે છે.