સત્ય. સાહસ. સંકલ્પ.

દુબઈ-અબુ ધાબી જતા ભારતીયો માટે દૂતાવાસની એડવાઈઝરી: મેડિકલ ઇન્સ્યોરન્સ ફરજિયાત

દુબઈ-અબુ ધાબી જતા ભારતીયો માટે દૂતાવાસની એડવાઈઝરી: મેડિકલ ઇન્સ્યોરન્સ ફરજિયાત

યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)માં રહેતા કે પ્રવાસે જતા ભારતીય નાગરિકો માટે યુએઈ સ્થિત ભારતીય મિશનોએ મહત્ત્વની એડવાઈઝરી જાહેર કરી છે. અબુ ધાબીમાં આવેલી ભારતીય એમ્બેસી અને દુબઈ સ્થિત ભારતીય કોન્સ્યુલેટ જનરલે જણાવ્યું છે કે યુએઈમાં રહેતા કે ત્યાં જતા દરેક ભારતીય પાસે પૂરતું મેડિકલ ઇન્સ્યોરન્સ કવરેજ હોવું જરૂરી છે.

આ સલાહ એટલા માટે આપવામાં આવી છે કારણ કે તાજેતરમાં એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં ભારતીય નાગરિકોને અચાનક બીમારી કે તબીબી કટોકટી વખતે હોસ્પિટલના ભારે બિલ ચૂકવવામાં મોટી મુશ્કેલી પડી હતી.

એડવાઈઝરીમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે યુએઈ જતાં પહેલાં જ યાત્રીઓએ એવો વિમો લેવો જોઈએ જેમાં કેશલેસ સુવિધા હોય અને ઈમરજન્સીના કિસ્સામાં દર્દીને ભારત પાછા લાવવાનો ખર્ચ પણ આવરી લેવાય. આ સુવિધાને મેડિકલ રિપેટ્રિએશન કહેવામાં આવે છે.

જે ભારતીયો પહેલેથી જ એમ્પ્લોયમેન્ટ વિઝા કે ડિપેન્ડન્ટ વિઝા પર યુએઈમાં રહે છે, તેમને પણ પોતાની હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી એક વાર ચકાસી લેવાની સલાહ આપવામાં આવી છે. જેથી તબીબી સારવાર અને જરૂર પડે તો ભારત પરત લાવવાના ખર્ચ સામે પૂરતું રક્ષણ મળે.

ઉલ્લેખનીય છે કે ભારત અને યુએઈ બંને દેશ એકબીજાના દેશમાં રહેતા નાગરિકોની સુરક્ષા અને કલ્યાણ માટે કટિબદ્ધ છે. જુલાઈ મહિનામાં નવી દિલ્હી ખાતે યોજાયેલી 7મી ભારત-યુએઈ કન્સ્યુલર બેઠકમાં આ વિષય પર વિગતવાર ચર્ચા થઈ હતી. ભારત તરફથી શ્રીપ્રિયા રંગનાથન અને યુએઈ તરફથી ઓમર ઓબૈદ અલહેસન અલશામ્સીના અધ્યક્ષપદે યોજાયેલી આ બેઠકમાં વિઝા, શ્રમિકોના પ્રશ્નો, લોકોની અવરજવર અને કાનૂની મદદ જેવા મુદ્દાઓ પર પરસ્પર સંમતિ વ્યક્ત કરવામાં આવી હતી.