સત્ય. સાહસ. સંકલ્પ.

UAEમાં ફુજૈરાહ નજીક 23 વાહનો ટકરાયા, 14ના મોત; ગુજરાતના 13 વર્ષીય આતિફનું પણ નિધન

UAEમાં ફુજૈરાહ નજીક 23 વાહનો ટકરાયા, 14ના મોત; ગુજરાતના 13 વર્ષીય આતિફનું પણ નિધન

સંયુક્ત આરબ અમીરાત (UAE)ના ફુજૈરાહ ખાતે શેખ ખલીફા બિન જાયદ રોડ પર ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. ટ્રક સહિત 23 વાહનો વચ્ચે થયેલી ટક્કરમાં 14 લોકોના મોત થયા છે, જ્યારે 30 લોકો ઘવાયા છે. મૃતકોમાં ચાર ભારતીયોનો સમાવેશ થાય છે.

ગુજરાતના 13 વર્ષીય આતિફ મોહમ્મદ ઇમરાન મન્સૂરનું આ અકસ્માતમાં નિધન થયું છે. આતિફ પરિવાર સાથે રજાઓ ગાળવા UAE ગયો હતો. અકસ્માત સમયે તેનો પરિવાર ભારત પરત ફરવા ફુજૈરાહ ઇન્ટરનેશનલ એરપોર્ટ તરફ જઈ રહ્યો હતો. આતિફના માતા-પિતા અને મોટી બહેન ગંભીર રીતે ઘવાયા છે અને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

કેરળના મલપ્પુરમ જિલ્લાના એક જ પરિવારના ત્રણ સભ્યોની પણ આ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. મૃતકોની ઓળખ મોહમ્મદ અસ્મિલ, તેમની બહેન મિસ્ના જુબીન અને તેમના ત્રણ વર્ષના ભાણેજ મોહમ્મદ ફૈયસ તરીકે થઈ છે.

UAEના ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે મૃતકોમાં 10 UAEના નાગરિકો અને 4 ભારતીયો છે. ઘવાયેલા 30 લોકોમાં UAEના 8, જોર્ડનના 2, ભારતના 7, પાકિસ્તાનના 2, ઇજિપ્તના 3, ઓમાનના 6 અને બ્રાઝિલના 2 નાગરિકોનો સમાવેશ થાય છે. દુબઈ સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસના અધિકારીઓએ હોસ્પિટલની મુલાકાત લઈ ઘવાયેલા ભારતીયોની ખબરઅંતર પૂછી છે અને પીડિત પરિવારોને શક્ય તમામ મદદની ખાતરી આપી છે.

અધિકારીઓની પ્રાથમિક તપાસ મુજબ, હાઈવે પર સમારકામનું કામ ચાલી રહ્યું હોવાથી જમણી બાજુની લેન બંધ હતી. આ દરમિયાન એક વાહન રસ્તા કિનારે ઉભેલા ટ્રક સાથે અથડાયું. પહેલી ટક્કર બાદ પાછળથી બે શિપિંગ કન્ટેનર લઈને આવી રહેલા મોટા ટ્રકે નિયંત્રણ ગુમાવતાં આગળ જઈ રહેલા અનેક વાહનોને રોંદી નાખ્યા અને ટ્રક પલટી ગયો. અકસ્માત માટે જવાબદાર ટ્રક ડ્રાઈવર પણ ઘવાયો છે અને તેને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.