સત્ય. સાહસ. સંકલ્પ.

U19 મહિલા T20 વિશ્વ કપ 2027: ભારત-પાકિસ્તાન અલગ ગ્રૂપમાં, શેડ્યૂલ જાહેર

U19 મહિલા T20 વિશ્વ કપ 2027: ભારત-પાકિસ્તાન અલગ ગ્રૂપમાં, શેડ્યૂલ જાહેર

આઈસીસી (ICC) દ્વારા 'અંડર-19 મહિલા T20 વિશ્વ કપ-2027'નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આ ટૂર્નામેન્ટ 21 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી દરમિયાન બાંગ્લાદેશ અને નેપાળની સંયુક્ત યજમાનીમાં યોજાશે. આ ત્રીજી આવૃત્તિ છે, જેમાં 16 મહિલા ટીમો ભાગ લેશે. ટીમોને ચાર ગ્રૂપમાં વહેંચવામાં આવી છે.

ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતીય મહિલા ટીમ ગ્રૂપ Aમાં નેપાળ, વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડ સાથે છે. ભારત તેની પ્રથમ મેચ 22 જાન્યુઆરીએ કાઠમંડુ ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામે રમશે. ગ્રૂપ Aની તમામ લીગ મેચો કાઠમંડુમાં યોજાશે.

ટૂર્નામેન્ટની શરૂઆત 21 જાન્યુઆરીએ બાંગ્લાદેશ અને UAE વચ્ચેના ઉદ્ઘાટન મુકાબલાથી થશે. તે જ દિવસે ઓસ્ટ્રેલિયા સિલહટમાં નાઈજીરિયા સામે ટકરાશે. કાઠમંડુમાં શ્રીલંકા-સ્કોટલેન્ડ અને ઈંગ્લેન્ડ-USAની મેચો પણ રમાશે. યજમાન નેપાળ 22 જાન્યુઆરીએ આયર્લેન્ડ સામે શરૂઆત કરશે. ચટગાંવમાં ન્યુઝીલેન્ડ-સમોઆ અને દક્ષિણ આફ્રિકા-પાકિસ્તાનની મેચો યોજાશે.

ગ્રૂપ રાઉન્ડ 26 જાન્યુઆરી સુધી ચાલશે. ગ્રૂપ સ્ટેજમાંથી ક્વોલિફાય થનારી ટીમો 'સુપર સિક્સ' રાઉન્ડમાં પહોંચશે, જ્યાં ટીમોને બે ગ્રૂપમાં વહેંચવામાં આવશે. દરેક ગ્રૂપની ટોચની બે ટીમો સેમિફાઈનલમાં પ્રવેશ મેળવશે. સેમિફાઈનલ 4 ફેબ્રુઆરીએ ચટગાંવમાં રમાશે, જ્યારે ફાઈનલ 6 ફેબ્રુઆરીએ ચટગાંવમાં યોજાશે. 5 અને 7 ફેબ્રુઆરી રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યા છે.

ગ્રૂપની યાદી:

  • ગ્રૂપ A: ભારત, આયર્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, નેપાળ
  • ગ્રૂપ B: દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, સમોઆ
  • ગ્રૂપ C: ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, નાઈજીરિયા, UAE
  • ગ્રૂપ D: ઈંગ્લેન્ડ, શ્રીલંકા, USA, સ્કોટલેન્ડ