સત્ય. સાહસ. સંકલ્પ.

એક જ બેંકમાં બે સેવિંગ્સ એકાઉન્ટ: ફાયદા અને ગેરફાયદા સમજીને જ ખાતું ખોલાવો

એક જ બેંકમાં બે સેવિંગ્સ એકાઉન્ટ: ફાયદા અને ગેરફાયદા સમજીને જ ખાતું ખોલાવો

ઘણા લોકો પોતાની જરૂરિયાત મુજબ એક જ બેંકમાં બે અલગ-અલગ સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવતા હોય છે. એક એકાઉન્ટમાં સેલરી અથવા નિયમિત આવક રાખે છે, જ્યારે બીજા એકાઉન્ટનો ઉપયોગ બચત, ઓનલાઇન શોપિંગ અથવા અન્ય ચોક્કસ કામ માટે કરે છે. જોકે, આમ કરવું ગેરકાયદેસર નથી, પરંતુ સવાલ એ છે કે શું એક જ બેંકમાં બે બચત ખાતા રાખવા ખરેખર ફાયદાકારક છે? કેટલીક પરિસ્થિતિઓમાં આ વ્યવસ્થા ઉપયોગી સાબિત થાય છે, તો સાથે તેના કેટલાક ગેરફાયદા પણ છે.

એક જ બેંકમાં બે એકાઉન્ટ રાખવાના ફાયદા

પૈસાનું યોગ્ય વર્ગીકરણ: બે અલગ ખાતા હોવાથી તમે તમારા પૈસાને વિવિધ જરૂરિયાતો માટે સરળતાથી વહેંચી શકો છો. ઉદાહરણ તરીકે, એક ખાતાનો ઉપયોગ દૈનિક ઘરખર્ચ માટે અને બીજાનો ઉપયોગ માત્ર ઈમરજન્સી અથવા બચત માટે કરી શકાય છે. આનાથી ખર્ચ અને સેવિંગ્સને ટ્રેક કરવું સરળ બને છે.

બજેટ મેનેજમેન્ટમાં મદદ: જો તમે દર મહિને ચોક્કસ રકમ બચાવવા માંગતા હો, તો પગાર આવતાં જ તે રકમ બીજા ખાતામાં ટ્રાન્સફર કરી શકો છો. આનાથી બચત અલગ રહેશે અને રોજિંદા ખર્ચમાં અજાણતાં વપરાઈ જવાની શક્યતા ઘટે છે.

વિવિધ સુવિધાઓનો લાભ: બેંકો અલગ-અલગ સેવિંગ્સ એકાઉન્ટ વેરિઅન્ટ પર જુદી જુદી સુવિધાઓ આપે છે. કોઈ એકાઉન્ટમાં વધુ ડિજિટલ લાભ અથવા રિવોર્ડ પોઈન્ટ્સ હોય, તો બીજામાં ઝીરો બેલેન્સ અથવા અન્ય સવલતો હોઈ શકે છે. તમે તમારી અનુકૂળતા મુજબ બંનેનો લાભ લઈ શકો છો.

સરળ બેંકિંગ સંચાલન: એક જ બેંકમાં ખાતા હોવાથી બંને એકાઉન્ટ એક જ મોબાઈલ બેંકિંગ એપ અથવા નેટ બેંકિંગ આઈડીથી હેન્ડલ કરી શકાય છે. બંને ખાતાઓ વચ્ચે ક્ષણભરમાં અને કોઈ વધારાના ચાર્જ વગર ફંડ ટ્રાન્સફર કરવું સરળ બને છે.

ગેરફાયદા

મિનિમમ બેલેન્સ જાળવવાની ઝંઝટ: જો બંને ખાતામાં સરેરાશ માસિક અથવા ત્રિમાસિક બેલેન્સ જાળવવાની શરત હોય, તો બંનેમાં પૂરતા પૈસા રાખવા પડે છે. જો બેલેન્સ ઓછું થાય, તો બેંક પેનલ્ટી વસૂલે છે.

વધારાના બેંકિંગ ચાર્જીસ: બે એકાઉન્ટ હોવાથી ડેબિટ કાર્ડના વાર્ષિક ચાર્જ, SMS એલર્ટ ફી, ચેકબુક ચાર્જ જેવા શુલ્ક બંને માટે અલગ-અલગ ચૂકવવા પડે છે. આનાથી બેંકિંગ ખર્ચ વધે છે.

નિષ્ક્રિય થવાનું જોખમ: બે ખાતા હોવાથી બેલેન્સ ટ્રેક કરવું મુશ્કેલ બને છે. જો એક ખાતામાં લાંબા સમય સુધી કોઈ વ્યવહાર ન થાય, તો તે નિષ્ક્રિય અથવા બંધ થઈ શકે છે.

બિનજરૂરી જંજાળ: જો તમને નાણાં અલગ રાખવાની ખાસ જરૂર ન હોય અને એક જ ખાતાથી કામ ચાલતું હોય, તો બીજું ખાતું ખોલાવવાનો આર્થિક ફાયદો નથી.