સત્ય. સાહસ. સંકલ્પ.

ટ્વિશા શર્મા કેસ: સાસુ સામે દહેજ હત્યાનો આરોપ હટ્યો, જામીન અરજીમાં સુધારાનો આદેશ

ટ્વિશા શર્મા કેસ: સાસુ સામે દહેજ હત્યાનો આરોપ હટ્યો, જામીન અરજીમાં સુધારાનો આદેશ

ભોપાલની અભિનેત્રી અને મોડેલ ટ્વિશા શર્માના શંકાસ્પદ મોતના કેસમાં મધ્ય પ્રદેશ હાઈકોર્ટે મહત્ત્વપૂર્ણ આદેશ આપ્યો છે. આરોપી સાસુ અને પૂર્વ જજ ગિરીબાલા સિંહની જામીન અરજીમાં દહેજ મૃત્યુ સંબંધિત કલમ હટાવીને સુધારો કરવાનો નિર્દેશ કોર્ટે આપ્યો છે. બુધવારે હાઈકોર્ટની જબલપુર બેંચમાં જસ્ટિસ અજય કુમાર નિરંકારીની સિંગલ બેંચે આ મામલે સુનાવણી કરી હતી. હાલ ગિરીબાલા સિંહને જામીન પર કોઈ રાહત મળી નથી.

ગિરીબાલા સિંહની જામીન અરજી પહેલા દાખલ કરવામાં આવી હતી, ત્યારે તેમાં દહેજ મૃત્યુનો આરોપ પણ સામેલ હતો. સીબીઆઈની તપાસ બાદ દહેજ મૃત્યુ સંબંધિત આરોપ હટી ગયો છે. હવે જામીલ અરજીમાં દહેજ મૃત્યુ અને દહેજ ઉત્પીડન સંબંધિત ભાગ હટાવીને બદલાયેલી કલમોના આધારે સુધારેલી અરજી રજૂ કરવાનું કહેવામાં આવ્યું છે. સુધારેલી અરજી દાખલ થયા બાદ 8 ઓક્ટોબરે બપોરે 2:30 વાગ્યે આગળની સુનાવણી થશે.

આ કેસમાં સૌથી મહત્ત્વનો ફેરફાર એ છે કે, સીબીઆઈની તપાસ બાદ દહેજ મૃત્યુ સંબંધિત ગુનો હવે કેસમાં નથી. હવે મુખ્ય આરોપ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો (કલમ 306) છે. જોકે, આનો અર્થ એ નથી કે અદાલતે ગિરીબાલા સિંહને જામીન આપી દીધા છે. જામીન પર આખરી સુનાવણી સુધારેલી અરજી દાખલ થયા બાદ થશે.

ગિરીબાલા સિંહના વરિષ્ઠ વકીલ સુરેન્દ્ર સિંહે જણાવ્યું કે જામીન અરજી દાખલ કરતી વખતે કેસમાં દહેજ મૃત્યુનો આરોપ પણ હતો. પાછળથી સીબીઆઈની તપાસ દરમિયાન આ ગુનો હટાવી દેવામાં આવ્યો. તેથી અદાલતે બદલાયેલી કલમો મુજબ જામીન અરજીમાં સુધારો કરવા કહ્યું છે.

અગાઉ સીબીઆઈએ ગિરીબાલા સિંહના જામીનનો વિરોધ કર્યો હતો. તપાસ એજન્સીએ હાઈકોર્ટમાં 1,154 પાનાનો જવાબ દાખલ કર્યો છે, જેમાં 62 સાક્ષીઓના નિવેદન, કોલ ટ્રાન્સક્રિપ્ટ, બેંક રેકોર્ડ, મેડિકલ દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા સામેલ છે. સીબીઆઈએ ગિરીબાલા સિંહ પર ટ્વિશાને માનસિક રીતે પ્રતાડિત કરવા અને પોતાના પુત્ર સમર્થ સિંહનો પક્ષ લેવાના આરોપ લગાવ્યા છે. તપાસ એજન્સીએ આશંકા વ્યક્ત કરી છે કે જામીન મળવાથી તપાસ પ્રભાવિત થઈ શકે છે.

સીબીઆઈના જવાબમાં ટ્વિશાના મોત પહેલાની ઘટનાઓ, પરિવાર વચ્ચે થયેલી વાતચીત અને અન્ય સંજોગોનો ઉલ્લેખ છે. તપાસ એજન્સી મુજબ, ગિરીબાલા સિંહને તેમના પુત્ર સમર્થ દ્વારા ડ્રગ્સ લેવાની જાણકારી આપવામાં આવી હોવાની વાત પણ તપાસનો ભાગ છે.

ટ્વિશા શર્માના મોત બાદ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. તપાસ એજન્સીએ ડિજિટલ અને ફોરેન્સિક પુરાવાઓને પણ તપાસમાં સામેલ કર્યા છે. ટ્વિશાના મોબાઈલ ફોન, સીસીટીવી, ડીવીઆર અને અન્ય ડિજિટલ ઉપકરણોમાંથી મળેલા ડેટાની તપાસ ચાલી રહી છે.