કેન્દ્ર સરકારે ટીવી ચેનલોને સમાચાર ચર્ચા અને પેનલ ચર્ચા દરમિયાન સંપાદકીય નિયંત્રણ વધુ કડક રાખવા સૂચના આપી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે બુધવારે જાહેર કરેલી સૂચનામાં કહ્યું છે કે, ચર્ચામાં કોઈ પેનલિસ્ટ અપમાનજનક, અભદ્ર, કોમી કે ભડકાઉ નિવેદન આપે તો તાત્કાલિક પગલાં લેવાં જોઈએ. આ પગલાંમાં માઇક મ્યૂટ કરવો, ડિસ્ક્લેમર દર્શાવવો, ચર્ચા અટકાવવી અથવા પ્રસારણ બંધ કરવું સામેલ છે.
મંત્રાલયે જણાવ્યું કે ચેનલોએ પેનલિસ્ટ અને અન્ય વ્યક્તિઓની પસંદગી કરતી વખતે પૂરતી કાળજી રાખવી જોઈએ. કેટલીક ખાનગી સેટેલાઇટ ટીવી ચેનલો કેબલ ટેલિવિઝન નેટવર્ક્સ (રેગ્યુલેશન) એક્ટ, 1995 અને કેબલ ટેલિવિઝન નેટવર્ક્સ રૂલ્સ, 1994 હેઠળના પ્રોગ્રામ કોડનું પાલન કરતી ન હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
કેન્દ્રએ ચેનલોને આતંકવાદ વિરોધી કાર્યવાહીનું લાઇવ કવરેજ ન કરવા પણ જણાવ્યું છે. આ ઉપરાંત, દેશના નકશા અને ગ્રાફિક્સમાં માત્ર સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા મંજૂર કરાયેલા નકશાનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે. સમાચાર તૈયાર કરવામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ સહાયક સાધન તરીકે જ કરવો અને તેના કારણે સમાચારની ચોકસાઈ તથા વિશ્વસનીયતા સાથે બાંધછોડ ન થાય તેની કાળજી રાખવા જણાવાયું છે.
મંત્રાલયે ગુના અને હિંસા સંબંધિત અહેવાલો ચકાસેલા તથ્યો પર આધારિત અને સંતુલિત રાખવા સૂચના આપી છે. અડધી-અધૂરી માહિતી અથવા ખોટા સંકેતોના આધારે અહેવાલ રજૂ ન કરવા પણ જણાવાયું છે. હિંસક, ભયાનક અથવા અસ્વસ્થ કરી શકે તેવા દૃશ્યો દર્શાવતી વખતે યોગ્ય સાવચેતી રાખવા, આવા દૃશ્યો વારંવાર ન બતાવવા અને જરૂર જણાય ત્યાં બ્લરિંગ અથવા માસ્કિંગનો ઉપયોગ કરવા સૂચના અપાઈ છે. ગુનાનું મહિમામંડન કરતી અથવા ગેરકાયદેસર વર્તનને સામાન્ય બનાવતી સનસનાટીભરી રજૂઆત ટાળવા પણ કહેવાયું છે.
મહિલાઓ અને બાળકો સામેના ગુનાઓના દૃશ્યો દર્શાવતી વખતે વિશેષ કાળજી રાખવા જણાવાયું છે. જાતીય ગુનાના પીડિતોની ઓળખ જાહેર ન કરવા સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું ચુસ્ત પાલન કરવા પણ ચેનલોને સૂચના આપવામાં આવી છે. કુદરતી આફતો, આપત્તિઓ અને મોટા અકસ્માતોના અહેવાલોમાં જરૂરી હોય ત્યાં દૃશ્યો પર સમય દર્શાવવા અને ચકાસેલી માહિતીના આધારે જ સમાચાર આપવા જણાવાયું છે, જેથી દર્શકોમાં બિનજરૂરી ગભરાટ ન ફેલાય.
મંત્રાલયની આ સૂચના કેબલ ટેલિવિઝન નેટવર્ક્સ (એમેન્ડમેન્ટ) રૂલ્સ, 2021 હેઠળ રચાયેલી આંતરવિભાગીય સમિતિની બેઠક બાદ આવી છે. સમિતિએ ટીવી ચેનલો દ્વારા પ્રોગ્રામ કોડના પાલન અંગે ચર્ચા કરી હતી.