સત્ય. સાહસ. સંકલ્પ.

તુષાર કપૂરને ₹5 કરોડની ખંડણીની ધમકી, પોલીસ તપાસમાં ફર્જી કૉલ હોવાની શંકા

તુષાર કપૂરને ₹5 કરોડની ખંડણીની ધમકી, પોલીસ તપાસમાં ફર્જી કૉલ હોવાની શંકા

બોલિવૂડ અભિનેતા તુષાર કપૂરને ખંડણીની ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી છે. ન્યૂઝ એજન્સી IANSના અહેવાલ મુજબ, તેમને લૉરેન્સ ગૅંગના સભ્ય હૅરી બૉક્સરના નામે ફોન આવ્યો હતો અને તેમાં રૂ. 5 કરોડની ખંડણી માગવામાં આવી હતી.

તુષાર કપૂરે આ અંગે મુંબઈ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ તપાસ એન્ટી-એક્સટોર્શન સેલ અને ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી.

ક્રાઇમ બ્રાન્ચની ટેક્નિકલ ટીમે ધમકીભર્યા કૉલનું ઑડિયો રેકોર્ડિંગ તપાસ્યું અને તેમાં સંભળાતો અવાજ હૅરી બૉક્સરના સત્તાવાર ઑડિયો સૅમ્પલ સાથે મેળવી જોયો. પોલીસના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર બંને અવાજ એકબીજા સાથે મેળ ખાતા નથી. આથી પોલીસને શંકા છે કે આ ફર્જી કૉલ હતો અને કોઈએ ગૅંગનું નામ લઈને ભય પેદા કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ હવે તે વ્યક્તિની શોધમાં છે, જેણે ધમકીભર્યું ઑડિયો રેકોર્ડિંગ મોકલ્યું હતું.

હૅરી બૉક્સર પર અગાઉ પણ આરોપો

લૉરેન્સ ગૅંગના સાગરિત હૅરી બૉક્સર પર બોલિવૂડ અને ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા ઘણા લોકોને ધમકી આપવાના આરોપ છે. તેમાં સૌથી પ્રમુખ નામ અભિનેતા રણવીર સિંહનું છે. NDTVના અહેવાલ મુજબ હૅરીએ રણવીરના મેનેજરને વૉઇસ નોટ મોકલીને રૂ. 10 કરોડની ખંડણી માગી હતી અને રકમ નહીં ચૂકવવામાં આવે તો રણવીર તથા તેમના સ્ટાફને મારી નાખવાની ધમકી આપી હતી.

ફિલ્મ દિગ્દર્શક રોહિત શેટ્ટીના ઘરની બહાર થયેલી ગોળીબારની ઘટના પાછળ પણ હૅરી બૉક્સર અને લૉરેન્સ ગૅંગનો હાથ હોવાનું જણાવાયું હતું. એક વૉઇસ નોટ દ્વારા તેની જવાબદારી સ્વીકારવામાં આવી હતી.

પંજાબી ગાયક ગુરુ રંધાવાને પણ ધમકી આપવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક કથિત ઑડિયો મુજબ સલમાન ખાન સાથેની નિકટતાને કારણે ગુરુ રંધાવાના દિલ્હીસ્થિત એક જિમ પર ગોળીબાર કરાવવામાં આવ્યો હતો અને તેમને ભવિષ્ય માટે ચેતવણી આપવામાં આવી હતી. કોમેડિયન કપિલ શર્મા પણ ગૅંગના નિશાના પર રહ્યા છે; કેનેડામાં તેમના કૅફે પર ફાયરિંગ થઈ ચૂક્યું છે.

'ગોલમાલ' ફ્રેન્ચાઇઝીથી ઓળખ

તુષાર કપૂર જાણીતા અભિનેતા જિતેન્દ્ર અને નિર્માતા શોભા કપૂરના પુત્ર છે. તેમનાં મોટાં બહેન એકતા કપૂર ટીવી અને ફિલ્મ નિર્માતા છે.

તુષારે વર્ષ 2001માં ફિલ્મ 'મુઝે કુછ કહેના હૈ'થી બોલિવૂડમાં પદાર્પણ કર્યું હતું. આ ફિલ્મમાં તેમની સાથે કરીના કપૂર જોવા મળી હતી. ફિલ્મ સફળ રહી અને તુષારને શ્રેષ્ઠ પુરુષ પદાર્પણનો ફિલ્મફેર પુરસ્કાર મળ્યો. તેમણે 'ક્યા દિલ ને કહા', 'જીના સિર્ફ મેરે લિયે' અને 'યે દિલ' જેવી ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ સૌથી વધુ ઓળખ કૉમેડી ફિલ્મોથી મળી. 'ક્યા કૂલ હૈં હમ', 'ગોલમાલ', 'ગોલમાલ રિટર્ન્સ' અને 'ગોલમાલ 3' તેમની જાણીતી ફિલ્મો છે. 'શોર ઇન ધ સિટી'માં તેમના અભિનયની પણ પ્રશંસા થઈ હતી. તુષાર છેલ્લે અક્ષય કુમાર અભિનીત ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ'માં જોવા મળ્યા હતા અને ટૂંક સમયમાં 'ગોલમાલ 5'માં ફરી 'લકી'ના પાત્રમાં જોવા મળશે.

ફિલ્મો ઉપરાંત તેમણે વેબ શ્રેણીઓમાં પણ કામ કર્યું છે. વર્ષ 2021માં તેમણે પોતાનું પુસ્તક 'બેચલર ડેડ' લખ્યું હતું, જેમાં તેમણે એકલા પિતા બનવાના પોતાના અનુભવો શેર કર્યા છે. તુષારે લગ્ન કર્યાં નથી અને જૂન 2016માં સરોગસી દ્વારા તેઓ પુત્ર લક્ષ્યના પિતા બન્યા હતા.