સત્ય. સાહસ. સંકલ્પ.

તુર્કિયેમાં એર્દોગાન સરકાર પર દબાણ: 'મક્કા સમજૂતી' પર 119 સાંસદોના સવાલ, ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ફસાવાની ચિંતા

તુર્કિયેમાં એર્દોગાન સરકાર પર દબાણ: 'મક્કા સમજૂતી' પર 119 સાંસદોના સવાલ, ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ફસાવાની ચિંતા

તુર્કિયેના પ્રમુખ રેસેપ તૈયપ એર્દોગાનની પાકિસ્તાન અને સાઉદી અરેબિયા સાથેની 'મક્કા સમજૂતી' તેમના જ દેશમાં વિવાદનું કેન્દ્ર બની છે. આ સમજૂતીના કારણે તુર્કિયેના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. વિપક્ષી સાંસદોએ સંસદમાં સવાલ ઉઠાવ્યો છે કે જો ભવિષ્યમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો તુર્કિયેને પરમાણુ યુદ્ધમાં કૂદવું પડશે? સરકારે સ્પષ્ટતા કરી છે કે તુર્કિયેની મરજી વિરુદ્ધ સેના નહીં મોકલાય અને સંસદની મંજૂરી ફરજિયાત રહેશે.

વૈશ્વિક સ્તરે પોતાનો પ્રભાવ વધારવા માટે એર્દોગાને પાકિસ્તાન અને સાઉદી અરેબિયા સાથે આ ત્રિપક્ષીય સમજૂતી કરી હતી. પરંતુ હવે આ સમજૂતી તેમના પોતાના દેશમાં જ વિવાદરૂપ બની ગઈ છે. સૌથી મોટો સવાલ એ છે કે જો ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળે તો તુર્કિયેએ પણ તેમાં સામેલ થવું પડશે કે નહીં. આ આશંકાએ તુર્કિયેની રાજનીતિમાં ચર્ચા જગાવી છે.

તુર્કિયેની સંસદમાં આ સમજૂતી પર વોટિંગ દરમિયાન વિપક્ષી સાંસદોએ સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. વિપક્ષી સાંસદ ગુલિસ્તાન કિલિક કોસિગિટએ સંસદના ફ્લોર પરથી પૂછ્યું હતું કે શું ભારત અને પાકિસ્તાનના યુદ્ધમાં તુર્કિયેએ સીધા મેદાનમાં ઊતરવું પડશે? તેમણે ભારત અને પાકિસ્તાનની પરમાણુ ક્ષમતા તરફ ઈશારો કરતા ચેતવણી આપી હતી કે બંને દેશો વચ્ચે યુદ્ધનો ઈતિહાસ ઘણો જૂનો અને સંવેદનશીલ રહ્યો છે. આવા સંજોગોમાં તુર્કિયેની સરકાર આખરે એવો નિર્ણય કઈ રીતે લઈ શકે કે કોઈ બીજાના યુદ્ધમાં પોતાની સેના મોકલવી કે નહીં, અને જો મદદ કરવી તો કઈ હદ સુધી કરવી? વિપક્ષે ખુલ્લી ચેતવણી આપી કે સાઉદી અરેબિયા અને પાકિસ્તાન સાથેની આ સમજૂતી તુર્કિયેને એવા યુદ્ધના જંજાળમાં ધકેલી શકે છે જેને દેશે ક્યારેય પસંદ જ નહોતું કર્યું.

તુર્કિયે, પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે થયેલી આ ત્રિપક્ષીય સમજૂતીમાં કટોકટી કે યુદ્ધ વખતે વાસ્તવિક મદદનું સ્વરૂપ શું રહેશે, તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા જાહેર કરવામાં આવી નથી. સંસદમાં પણ આ જ મુદ્દો ગાજ્યો હતો કે જો ભારત સામેના સંઘર્ષમાં પાકિસ્તાન સૈન્ય મદદની માગણી કરે, તો તુર્કિયેનો રિસ્પોન્સ શું હશે અને તે કયા સ્તર સુધી જવા તૈયાર થશે? આ તમામ નિર્ણયો લેવાની અંતિમ સત્તા કોની પાસે રહેશે? આ સવાલોએ એર્દોગાન સરકારને ભીંસમાં મૂકી દીધી હતી.

સંસદમાં ઘેરાયેલી એર્દોગાન સરકાર વતી વિદેશ બાબતોના વરિષ્ઠ અધિકારી ફુઅત ઓકતાયએ મોરચો સંભાળ્યો હતો. તેમણે સ્પષ્ટતા કરતા દાવો કર્યો હતો કે તુર્કિયેને તેની મરજી વિરુદ્ધ કોઈપણ યુદ્ધમાં સામેલ કરી શકાય નહીં. તેમણે ગૃહને ખાતરી આપી કે કોઈપણ યુદ્ધની સ્થિતિમાં સૈનિકોની તૈનાતી માટે દેશની સંસદમાં અલગથી વોટિંગ કરાવવું ફરજિયાત રહેશે.