યમનના હુથી બળવાખોરો દ્વારા સાઉદી અરેબ પર હુમલા વધતા તુર્કીયે સાઉદીની પડખે ઊભા રહેવાની જાહેરાત કરી છે. તુર્કીયેના વિદેશ મંત્રી હકાન ફિદાને કહ્યું કે, અંકારા રિયાધ સાથે મજબૂત એકતા દર્શાવે છે. ગત મહિને તુર્કીયે, સાઉદી અરેબ અને પાકિસ્તાન વચ્ચે 'મક્કા સંયુક્ત સંરક્ષણ કરાર' પર હસ્તાક્ષર થયા હતા. આ કરાર હેઠળ ત્રણેયમાંથી કોઈ એક દેશ પર હુમલો થાય તો તે ત્રણેય પરનો હુમલો ગણાશે.
હકાન ફિદાને કહ્યું, 'હુથી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા પર પ્રહાર થઈ રહ્યો છે. જો સાઉદી અરેબને કોઈપણ પ્રકારની લશ્કરી કે ટેકનિકલ સહાયની જરૂર પડે તો તુર્કીયે તે પૂરી પાડવા તૈયાર છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષમાં સાઉદી અરેબને ખેંચવું સ્વીકાર્ય નથી. રિયાધનો આ યુદ્ધમાં સામેલ થવાનો કોઈ ઈરાદો નથી.'
તુર્કીયે આ લડાઈનો અંત લાવવા માટે સંબંધિત પક્ષોને નવી દરખાસ્તો મોકલી છે.
બીજી તરફ, પાકિસ્તાને જણાવ્યું કે, મક્કા કરાર હેઠળ હાલમાં કોઈ સીધી ચર્ચા થઈ નથી. જરૂર પડશે તો યોગ્ય સમયે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.