સત્ય. સાહસ. સંકલ્પ.

ફૂડ સેફ્ટી પર મુંઢેની ચેતવણી: 'ઘરમાં ચિપ્સ ખાઈને સ્કૂલમાં જંકફૂડ ન રોકી શકાય'

ફૂડ સેફ્ટી પર મુંઢેની ચેતવણી: 'ઘરમાં ચિપ્સ ખાઈને સ્કૂલમાં જંકફૂડ ન રોકી શકાય'

મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) કમિશનર તુકારામ મુંઢેએ ગુજરાતની પોતાની પહેલી મુલાકાત દરમિયાન અમદાવાદની કર્ણાવતી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે જાહેર આરોગ્ય, નેતૃત્વ અને ફૂડ સેફ્ટી જેવા વિષયો પર અઢી કલાક સુધી ચર્ચા કરી હતી.

મુંઢેએ કહ્યું કે દૂધ જેવા સંવેદનશીલ ખાદ્યપદાર્થો સહિત દરેક ખોરાકમાં ટ્રેસેબિલિટી (ઉત્પાદનથી લઈને ઉપભોક્તા સુધીની સફરની ચકાસણી) હોવી જરૂરી છે. જો ખાદ્યચીજ ક્યાંથી આવી અને ક્યાં પહોંચી તે સરળતાથી શોધી શકાય, તો જ ભેળસેળ અને સ્વાસ્થ્ય સંબંધિત જોખમોને અટકાવી શકાય. તેમણે કહ્યું કે ટ્રેસેબિલિટી મેન્યુઅલ હોય કે ડિજિટલ, તે ચકાસી શકાય તેવી અને ખુલ્લા પ્લેટફોર્મ પર પારદર્શક હોવી જોઈએ.

સ્ટ્રીટ ફૂડ અંગે મુંઢેએ જણાવ્યું કે નિયમો પહેલેથી છે, પણ તેનો સાચો આધાર તેના કડક અમલીકરણ પર છે. લાંબા ગાળે સ્ટ્રીટ વેન્ડર્સ માટે ઝોનિંગ-આધારિત નીતિ લાવવી પડશે, જેમાં લારી-ગલ્લાવાળાઓને નક્કી કરેલા વિસ્તારો ફાળવવામાં આવે જેથી સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના ધોરણો સરળતાથી જળવાઈ રહે.

ફૂડ સેફ્ટી ક્ષેત્રે સૌથી મોટા પડકાર વિશે પૂછાયેલા સવાલના જવાબમાં મુંઢેએ કહ્યું કે ભારતમાં આરોગ્ય સાથે મોટો સમાધાન થઈ રહ્યો છે. આઝાદી સમયે દેશમાં ચેપી બીમારીનું પ્રમાણ વધારે હતું, જ્યારે આજે કેન્સર, ડાયાબિટીસ, હાઈપરટેન્શન અને હાર્ટ અટેક જેવા નોન-કમ્યુનિકેબલ ડિસીઝ (NCD)નો બોજ સતત વધી રહ્યો છે. આપણે જે ખોરાક અને પીણાં પીએ છીએ તેની સાથે આ રોગો સીધા જોડાયેલા છે. ફૂડ સેફ્ટી માત્ર ખોરાકનો વિષય નથી, પરંતુ જાહેર આરોગ્યનો ગંભીર મુદ્દો છે અને આ વાસ્તવિકતા સમાજે જેટલી વહેલી સમજવી પડશે તેટલું સારું રહેશે.

વિદ્યાર્થીઓ સાથે નેતૃત્વ અંગે વાત કરતાં તેમણે સ્પષ્ટ વિઝન, નૈતિક પ્રામાણિકતા અને સિદ્ધાંતો પર અડગ રહેવા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે મારા માટે ખોરાકની સજાવટ કે ચમકદાર રંગ કરતાં જાહેર આરોગ્ય અને સુરક્ષિત ખાદ્યસામગ્રી વધુ મહત્વપૂર્ણ છે. કાયદાનું પાલન માત્ર સરકારી તપાસ કે દંડાત્મક કાર્યવાહી પૂરતું સીમિત ન રહેવું જોઈએ.

ખાદ્ય અને દવાઓની ભ્રામક જાહેરાતો અંગે મુંઢેએ કડક વલણ દર્શાવતાં કહ્યું કે ગેરમાર્ગે દોરતા દાવાઓ સામે કાયદાકીય જોગવાઈઓ પહેલેથી છે. FSSAIના કાયદા હેઠળ પ્રોડક્ટના દાવાઓમાં પારદર્શકતા અને સત્યતા હોવી ફરજિયાત છે. દવાના ક્ષેત્રમાં પણ ચમત્કારિક સારવારના ખોટા દાવાઓ સામે સ્પષ્ટ કાયદા છે, હવે જરૂર માત્ર તેના કડક અમલીકરણની છે. જાહેરાત આપતી કંપનીઓ, બ્રાન્ડ એમ્બેસેડર અને જાણીતી સેલિબ્રિટીઝની પણ નૈતિક ફરજ બને છે કે તેઓ માત્ર આર્થિક લાભ ખાતર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી વસ્તુઓનું પ્રમોશન ન કરે.

બાળકોમાં વધી રહેલા જંક ફૂડના ચલણ અને ઓબેસિટી અંગે તેમણે મહારાષ્ટ્રમાં લેવાયેલા પગલાંની વિગતો આપી. સ્કૂલ પરિસર તેમજ તેની આસપાસના 50 મીટરના વિસ્તારમાં વધુ પડતી ચરબી, ખાંડ અને મીઠું ધરાવતા (HFSS) ઉત્પાદનોના સંગ્રહ, વેચાણ અને જાહેરાત પર સદંતર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મહારાષ્ટ્રની આશરે 1.08 લાખ શાળાઓમાંથી 68 હજારથી વધુ શાળાઓમાં તાલીમ અપાઈ ચૂકી છે તેમજ શિક્ષણ વિભાગના સંકલનથી 70 હજારથી વધુ શિક્ષકો અને પ્રિન્સિપાલને સજ્જ કરવામાં આવ્યા છે. 50 મીટરના નિયમનો ભંગ કરનારા વિક્રેતાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે.

NFHSના ડેટાને ટાંકીને 10 થી 12 વર્ષના બાળકોમાં NCDના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરતાં મુંઢેએ વાલીઓને પણ આડે હાથ લીધા. તેમણે સ્પષ્ટ કહ્યું કે બાળકોને માત્ર સ્કૂલમાં સૂચનાઓ આપવાથી સમસ્યા નહીં ઉકેલાય. માતા-પિતાએ પોતાના ખોરાકની ટેવો સુધારીને બાળકો સમક્ષ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવું પડશે. ધર્મ કે સંસ્કૃતિથી પર રહીને ખાદ્ય સુરક્ષાને પ્રાથમિકતા આપવી જોઈએ.