સત્ય. સાહસ. સંકલ્પ.

વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ-જિનપિંગ બેઠક: 'રેસ હોવી જોઈએ, રેસલિંગ નહીં'

વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ-જિનપિંગ બેઠક: 'રેસ હોવી જોઈએ, રેસલિંગ નહીં'

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ વચ્ચે ગુરુવારે વ્હાઇટ હાઉસ ખાતે મહત્વની બેઠક યોજાઈ હતી. એક દાયકા કરતાં વધુ સમય બાદ વોશિંગ્ટન પહોંચેલા જિનપિંગનું ટ્રમ્પ અને તેમના પત્ની મેલાનિયા ટ્રમ્પે ઔપચારિક સ્વાગત કર્યું હતું.

બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા તણાવ વચ્ચે યોજાયેલી આ મુલાકાતમાં બંને નેતાઓએ પરસ્પર સંબંધો સુધારવા અને સંઘર્ષ ટાળવા પર ભાર મૂક્યો હતો. બેઠકમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), વેપાર, ટેક્નોલોજી, તાઇવાન અને બંને દેશોના સૈન્ય વચ્ચે નિયમિત સંવાદ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.

બેઠક દરમિયાન ચીની રાષ્ટ્રપ્રમુખે જણાવ્યું હતું કે, "બંને દેશોએ શાંતિપૂર્ણ રીતે સાથે રહેવું જોઈએ. અમેરિકા અને ચીન વચ્ચે પરસ્પર સ્પર્ધા ખતમ કરવાની જરૂર નથી, પરંતુ તે સ્વસ્થ હોવી જોઈએ અને તેની એક મર્યાદા નક્કી હોવી જોઈએ. બંને વચ્ચે આગળ નીકળવાની રેસ હોવી જોઈએ, રેસલિંગ નહીં, જેમાં એકની જીત બીજાની હાર પર નિર્ભર હોય. સંઘર્ષ બંને દેશો માટે નુકસાનકારક રહેશે અને સહયોગથી જ બંને પક્ષોને ફાયદો થઈ શકે છે." તેમણે કોઈપણ પ્રકારના ટકરાવથી બચવા બંને દેશોની સેનાઓ વચ્ચે નિયમિત વાતચીત અને કટોકટીના સમયે સંવાદની યોગ્ય વ્યવસ્થા ગોઠવવા પર પણ ભાર મૂક્યો હતો.

અમેરિકી રાષ્ટ્રપ્રમુખે બંને દેશો વચ્ચેના સંબંધોને બિરદાવતા કહ્યું હતું કે, "શી જિનપિંગ વ્હાઇટ હાઉસની બીજી ઔપચારિક મુલાકાત લેનારા પ્રથમ ચીની નેતા છે. વર્ષ 2016માં મારા પ્રથમ વખત ચૂંટાયા બાદથી અમારા બંને વચ્ચે ખરેખર એક મહાન મિત્રતા સ્થપાઈ છે. જે રીતે અમેરિકા અને ચીને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સાથે મળીને કામ કર્યું હતું, તે જ રીતે હવે બંને દેશો વધુ સારા ભવિષ્યના નિર્માણ માટે સાથે કામ કરી શકે છે. મને અમેરિકા અને ચીનના સંબંધો પર ગર્વ છે અને બંને દેશો વધુ સંતુલિત વેપાર સંબંધોની દિશામાં આગળ વધી રહ્યા છે."

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અંગે વિસ્તૃત છણાવટ કરતા શી જિનપિંગે જણાવ્યું હતું કે, "ચીન અને અમેરિકા આ ક્ષેત્રમાં વિશ્વના અગ્રણી દેશો છે, તેથી તેનો વિકાસ યોગ્ય દિશામાં થાય તે જોવાની બંનેની સંયુક્ત જવાબદારી છે. AIનો વિકાસ હંમેશા માનવીના નિયંત્રણ હેઠળ રહેવો જોઈએ અને તેનો ઉપયોગ ફક્ત લોકોના કલ્યાણ અને સારા કાર્યો માટે જ થવો જોઈએ. મને આશા છે કે અમેરિકામાં ચીની કંપનીઓ સાથે પણ નિષ્પક્ષ વ્યવહાર કરવામાં આવશે."

ટ્રમ્પે AI મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, "આ એક સુપર ઇન્ટેલિજન્સ છે અને તે અમારી વાતચીતનો મુખ્ય મુદ્દો રહેશે. અમે બંને સુરક્ષા, ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ વિષયો પર વિચારવિમર્શ કરી રહ્યા છીએ. આ ક્ષેત્રોમાં અમે જે પણ નિર્ણયો લઈશું તે આવનારા ઘણા દાયકાઓ સુધી વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિને દિશા આપશે."

અમેરિકાની મુલાકાત અંગે ખુશી વ્યક્ત કરતા શી જિનપિંગે કહ્યું હતું કે, "હું અમેરિકાની આઝાદીની 250મી વર્ષગાંઠના ઉજવણી સમારંભમાં સામેલ થવા આતુર છું." બંને દેશોના સંબંધોમાં વિશ્વની અનેક સમસ્યાઓના સમાધાન માટે સહયોગ અનિવાર્ય હોવાનું તેમણે ઉમેર્યું હતું.