ચીનના પ્રમુખ શી જિનપિંગ બુધવારે ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે અમેરિકાની રાજધાની વોશિંગ્ટન પહોંચ્યા છે. આ મુલાકાતની શરૂઆતમાં જ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષો જૂની રાજદ્વારી પરંપરાઓ બાજુ પર મૂકી દીધી.
મેરીલેન્ડમાં આવેલા 'જોઇન્ટ બેઝ એન્ડ્રુઝ' લશ્કરી મથક પર પ્રમુખ ટ્રમ્પ અને તેમના પત્ની મેલાનિયા ટ્રમ્પ જાતે હાજર રહ્યા હતા. તેઓ વિમાન પાસે જઈને શી જિનપિંગ તથા તેમના પત્ની પેંગ લિયુઆનનું સ્વાગત કર્યું હતું.
C-SPANના પ્રમુખ કાર્યક્રમોના ઐતિહાસિક રેકોર્ડ મુજબ, છેલ્લે વર્ષ 2015માં તત્કાલીન પ્રમુખ બરાક ઓબામાએ પોપ ફ્રાન્સિસનું એરપોર્ટ પર જાતે જઈને સ્વાગત કર્યું હતું. ત્યારપછી કોઈ વિદેશી નેતાનું વિમાન પાસે જઈને સ્વાગત કરવાનો આ પ્રથમ બનાવ છે. એટલે કે, 11 વર્ષ જૂનો આ પ્રોટોકોલ ટ્રમ્પે તોડ્યો છે.
લગભગ ત્રણ વર્ષ પછી અમેરિકા પહોંચેલા ચીની પ્રમુખના આગમન વેળા લશ્કરી બેન્ડે ધૂન વગાડી હતી અને તોપોની સલામી આપવામાં આવી હતી. આ દરમિયાન ઉપરથી એક B-1 બોમ્બર વિમાન પસાર થતાં ટ્રમ્પ સહેજ ચોંકી ગયા હોય તેવું જણાયું હતું. બંને નેતાઓએ હાથ મિલાવ્યા અને ટૂંકી વાતચીત કરી. ત્યારબાદ બંને નેતાઓ એરબેઝ પરથી અલગ-અલગ રવાના થયા. તેમની વચ્ચેની ઔપચારિક બેઠક ગુરુવારે યોજાનાર છે.
ચીની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆ અનુસાર, શી જિનપિંગે કહ્યું કે ચીન અને અમેરિકાએ હરીફ બનવાને બદલે એકબીજાના ભાગીદાર બનવું જોઈએ. જો બંને દેશો સાથે મળીને કામ કરશે તો આ મુલાકાત અત્યંત ફળદાયી સાબિત થશે.
વેપાર યુદ્ધવિરામ 10 જાન્યુઆરી સુધી લંબાવાયો
ઔપચારિક મંત્રણાઓ પહેલાં જ બંને પક્ષો વચ્ચે એક મહત્ત્વની સહમતિ સધાઈ છે. યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે જણાવ્યું કે યુએસ-ચીન વચ્ચેનો વેપાર યુદ્ધવિરામ, જે 10 નવેમ્બરે પૂરો થવાનો હતો, તેને બે મહિના લંબાવીને 10 જાન્યુઆરી સુધી કરી દેવામાં આવ્યો છે.
સ્કોટ બેસેન્ટે ફોક્સ ન્યૂઝ સાથેની વાતચીતમાં પુષ્ટિ કરી કે તેમણે અને ચીનના વાઇસ પ્રીમિયર હે લિફેંગે શિખર સંમેલન પૂર્વે આ સમયમર્યાદા લંબાવવા પર સંમતિ દર્શાવી છે. જોકે, વોશિંગ્ટન સ્થિત ચીની દૂતાવાસે આ અંગે તાત્કાલિક કોઈ ટિપ્પણી કરી નથી.
બંને પક્ષો ચોક્કસ ક્ષેત્રો પર ટેરિફ, ડ્રગ્સના કારોબાર સામે સંયુક્ત કાર્યવાહી અને બંને દેશોની સેનાઓ વચ્ચે સીધા સંવાદને મજબૂત કરવાના મુદ્દાઓ પર નાના કરાર કરી શકે છે. આ ઉપરાંત કૃત્રિમ બુદ્ધિમતા (AI) ટેકનોલોજી પણ ચર્ચાનો મહત્ત્વનો મુદ્દો રહેશે, જેમાં બંને દેશો એકબીજા સામે ટેકનોલોજીકલ વર્ચસ્વની સ્પર્ધા કરી રહ્યા છે.
તાઇવાન અને નિકાસ નિયંત્રણો: વાટાઘાટોમાં સૌથી મોટી અડચણ
આ મંત્રણામાં સૌથી જટિલ પ્રશ્ન તાઇવાનનો રહેવાની શક્યતા છે. શી જિનપિંગ સ્વ-શાસિત તાઇવાન પર બેઇજિંગનો અધિકાર હોવાનો દાવો ફરી રજૂ કરશે, જ્યારે અમેરિકા સંવેદનશીલ ટેકનોલોજીની ચીનમાં થતી નિકાસ પરના પ્રતિબંધો જાળવી રાખવા મક્કમ છે.
શી જિનપિંગ તાઇવાનને વેચવામાં આવતા અમેરિકન હથિયારોમાં ઘટાડો કરવા માટે ટ્રમ્પ પર દબાણ લાવવાની પણ શક્યતા છે. ટ્રમ્પ વહીવટીતંત્રે ડિસેમ્બર મહિનામાં જ તાઇવાન માટે 11 અબજ ડોલરના હથિયાર પેકેજને મંજૂરી આપી હતી, જે તાઇવાનના ઇતિહાસનું સૌથી મોટું સંરક્ષણ પેકેજ હતું. જ્યારે બીજું 14 અબજ ડોલરનું પેકેજ હાલ રોકી રાખવામાં આવ્યું છે. ટ્રમ્પે ભૂતકાળમાં તાઇવાન સાથેના હથિયારોના સોદાને સોદાબાજીના સાધન તરીકે ઓળખાવ્યો હતો.
ઈરાનનો મુદ્દો અને ક્રૂડ ઓઇલ બજાર
ઈરાનનો મુદ્દો બંને નેતાઓ વચ્ચેના સંબંધોની વધુ એક કસોટી કરશે. બેઇજિંગ અને તેહરાન વચ્ચે ઘનિષ્ઠ સંબંધો છે, અને અમેરિકા માને છે કે ચીન પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને આ યુદ્ધની મડાગાંઠ ઉકેલવામાં મદદ કરી શકે છે. જોકે ટ્રમ્પે જણાવ્યું છે કે તેમને આ મામલે ચીનની મદદની જરૂર નથી.
વિશ્વના સૌથી મોટા ઓઇલ આયાતકાર દેશ તરીકે ચીને યુદ્ધ શરૂ થયા પછી ક્રૂડ બજારોને સ્થિર રાખવામાં ભૂમિકા ભજવી છે, જેમાં માગ ઘટાડવી અને પોતાના વ્યૂહાત્મક ભંડારમાંથી તેલ મુક્ત કરવાનો સમાવેશ થાય છે. બીજી તરફ, અમેરિકાએ ઈરાન સાથે વેપાર ચાલુ રાખનારા દેશો સામે ચેતવણી આપી હોવા છતાં, મોટી ચીની બેંકો પર આકરા ગૌણ પ્રતિબંધો લગાવવાનું હાલ ટાળ્યું છે.
વ્હાઇટ હાઉસમાં રાજભોજ અને ટેક દિગ્ગજોની બેઠક
ગુરુવારે વ્હાઇટ હાઉસમાં યોજાનાર ઔપચારિક રાજભોજમાં વિશ્વના ટોચના ટેક એક્ઝિક્યુટિવ્સ હાજરી આપશે, જેમાં Appleના CEO ટિમ કૂક, Nvidiaના CEO જેનસન હુઆંગ અને OpenAIના CEO સામ ઓલ્ટમેન સામેલ છે. આ કાર્યક્રમમાં વ્હાઇટ હાઉસ ખાતે લશ્કરી જેટ વિમાનોના ફ્લાયઓવર સાથે લશ્કરી સન્માન અને નેશનલ આર્કાઇવ્ઝની મુલાકાત પણ સામેલ છે.
આ શિખર સંમેલન એવા સમયે થઈ રહ્યું છે જ્યારે અમેરિકામાં નવેમ્બરની કોંગ્રેસની ચૂંટણીઓ નજીક છે.