અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના પ્રમુખ શી જિનપિંગની આગામી અમેરિકા મુલાકાત અંગે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, શી જિનપિંગ આવતા અઠવાડિયે અમેરિકા આવશે અને તેમની સાથે અમેરિકાના સારા સંબંધો છે.
આ મુલાકાત વોશિંગ્ટન ડીસીમાં થશે. ટ્રમ્પ પોતે એરપોર્ટ પર શી જિનપિંગનું સ્વાગત કરવાની યોજના બનાવી રહ્યા છે. સામાન્ય રીતે કોઈ વિદેશી નેતાનું એરપોર્ટ પર અમેરિકન પ્રમુખ દ્વારા સ્વાગત કરવું દુર્લભ બાબત છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, વ્હાઇટ હાઉસમાં સ્વાગત સમારોહ, રોઝ ગાર્ડનમાં સૈન્ય સમીક્ષા અને સાંજે ભવ્ય સ્ટેટ ડિનરનું આયોજન કરવામાં આવશે.
ચીન સાથેના વેપાર અંગે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે ચીન અમેરિકાને ભારે ટેરિફ આપી રહ્યું છે, જેનાથી ચીનને મોટું નુકસાન થઈ રહ્યું છે અને અમેરિકા આવું કરવા માંગતું ન હતું. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે ઘણા મહત્ત્વપૂર્ણ કરારો અને સમજૂતીઓ થવાની સંભાવના છે.
ચીન દ્વારા જાસૂસી કરવાના સવાલ પર ટ્રમ્પે હળવાશથી પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું, "કોઈએ મને જણાવ્યું હતું કે ચીન અમેરિકાની જાસૂસી કરે છે. કદાચ ચીન આવું કરતું હશે, પરંતુ અમેરિકા પણ તેમની જાસૂસી કરે છે."
આ સ્ટેટ ડિનરમાં વિશ્વભરની અગ્રણી ટેક્નોલોજી કંપનીઓના સીઈઓ પણ સામેલ થશે. જેમાં એમેઝોનના જેફ બેઝોસ, આલ્ફાબેટના સુંદર પિચાઈ, ઓપનએઆઈના સૅમ આલ્ટમેન, એપલના ટિમ કુક, ટેસ્લાના ઈલોન મસ્ક, એનવીડિયાના જેન્સન હુઆંગ અને ડેલ ટેક્નોલોજીસના માઈકલ ડેલ જેવા દિગ્ગજો સામેલ છે.
અધિકારીઓએ જણાવ્યું કે આ મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય વેપાર, વૈશ્વિક અર્થવ્યવસ્થામાં દુર્લભ ખનિજોના પૂરવઠા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થવાની અપેક્ષા છે.